વ્હાલા

સ્વર્ગવાસી દાદાજી...

આ ઘરની દિવાલ પર લટકાવેલો તમારો ફોટો જોયો ને હૃદયના એક ખૂણામાંથી અવાજ આવ્યો... “મારા દાદાજી... મારા વ્હાલા દદાજી” આંખનો ખૂણો ભીનો થઇ ગયો.. જુના ખંડેર ને જર્જરીત થઇ ગયેલા ઘરમાં ચારેબાજુ નજર ફરી વળી, આ ઘરમાં મારા વ્હાલા દાદા સાથે ને પરિવાર સાથે વિતવેલી એક એક પળની યાદો નજર સામે તરવળી રહી..

આ ઘરના ખૂણે ખૂણાની સાથે મારો પરિચય- ઘરના આંગણામાં હું દોડતો, આખાએ ઘરમાં ધમાલ મચાવતો ને તોડફોડ કરતો. પરિવારમાં સૌને હેરાન કરતો, ખાસ કરીને દાદા તમને. તમે મારી પાછળ પાછળ દોડતા ને ઉમરના કારણે થાકી જતા અને છતાંય મારી ધમાલ-મસ્તી ને તોફાનમાં અનન્ય આનંદ મેળવતા દાદાજી... “ઉભો રહે શેતાન કેટલુ દોડાવીશ ?” કહીને મને પકડવા આવતા. હું પકડમાં ના આવું તો ‘આ લે ચોકલેટ આપુ’ કહી ને મને ભોળવતા. કદાચ હું પડી જાઉ તો મને એક સામાન્ય જ વાગ્યું હોય પણ દુ:ખ તમને થતું અને એ પણ ઘણુ બધુ. જાણે મારા સિવાય તમારે આ દુનિયામાં બીજુ કંઇ જ ન હતું. “મારી ખુશી એ જ દાદાની ખુશી ને મારુ જીવન એ જ દાદાનું જીવન”.. જ્યારે પણ તમે ક્યાંય બહાર જાઓ ત્યારે મારા માટે કંઇક ને કંઇક લેતા આવો. ખાવા માટેનું હોય કે રમવા માટે રમકડા... પણ દાદાનો હાથ કદી ખાલી ના આવે. કેટલો સુંદર હતો એ સમય ? જાણે કે ખુશીઓ, આનંદ, મોજ-મસ્તી બધુ જ એક દાદામાં સમાયેલું હતું.

તમને યાદ છે દાદા ? હું તમારા ખભા ઉપર બેસી જતો ને ભાર લાગે તોયે તમે મને ખેતરમાં લઇ જતા. મારા માટે શક્કરીયા કાઢતા, મકાઇના ડોડા ભાગીને શેકી મને ખવડાવતા, કુવામાંથી આવતું પાણી પોતાના ખોબામાં ભરીને મને પિવડાવતા... ખેતરના શેઢે શેઢે ફેરવી ને મને ખેતી બતાવતા, એનુ નામ, કેવી રીતે વવાય, પાણી કેમ વાળવું, તેને શું કરવાનું ? એ બધી વાતો મને સમજાવતા.. ખરેખર દાદા એ દિવસો તો કંઇ જુદા જ હતા.

દાદા, તમે સ્વર્ગમાં ગયા ત્યારે હું ખુબ રડેલો. આમ તો ઘરના ને કુટુંબના બીજા પણ બધા રડેલા, પણ હું ખાસ એટલા માટે કે મારી તો આખી દુનિયા જ તમે હતા. તમે ગયા એટલે કે મારીતો જાણે આખી દુનિયા જ પુરી થઇ ગઇ. હું એકાલો પડી ગયો, મારે હવે કોની સાથે રમવાનું ?, કોના ભેગા ખાવાનું કે કોની સાથે ઉંગવાનું ? કંઇ જ સમજાતું ન હતુ.. તમારી સાથે મારી પણ જીંદગી મને છોડી ને ચાલી ગઇ.. હું એકલો રહ્યો.. રજળતો, રખડતો ને રડતો... તમારા પછી ને તમારા સિવાય કોઇએ મને કે મારી વાતોને ન સાંભળી. મારી લાગણીઓને સમજવાનો પ્રયત્ન ના કર્યો કે જરૂરિયાત પણ ના સમજી...

એના બદલે તમે તો મારી કેટલી ચિંતા ને પરવાહ કરતા.. એ હું કેવી રીતે ભૂલી શકું..? દાદાજી મારા જીવનના એ અમુલ્ય સમયને અને તેમાં તમારી સાથે બનેલા એ પ્રસંગોને યાદ કરુ છું ને આજે પણ મારુ હૃદય ભરાઇ આવે છે.. લાગણીઓનો ઉભરો બનીને છલકાઇ પડે છે.

એક વાર મારી મમ્મીએ મને કોઇ વાતે લાફો માર્યો, હું ખુબ રડ્યો એ જોઇ ને તમને એટલુ તો ખોટુ લાગ્યું કે તમે મમ્મી સાથે બોલવાનું પણ બંધ કરી દીધું, બે દિવસ સુધી ખાધુ નહીં... મમ્મીએ જ્યારે માફી માગી અને ફરી ક્યારેય આવુ નહીં કરે એવી શર્ત કરી ત્યારે જ તમે જમેલા એ મને હજુએ યાદ છે.

શાળામાં શિક્ષકે લેસન ન લઇ જવાથી અંગુઠા પકડાવ્યા ત્યારે પણ તમે એ શિક્ષક સાથે લડી પડેલા. આમ, એક મા કરતાં પણ વધારે વ્હાલ કરનાર અને મારા માટે દુનિયા સાથે લડી જનાર દાદા મને કેમ ભૂલાય..?

વ્હાલા દાદા... આ પત્ર મેં તમને એટલા માટે લખ્યો છે કે હું તમને મારા દિલની એ વાતો કહેવા માગુ છું જે હું તમારા જીવતાં ક્યારેય ના કહી શક્યો...

પહેલી વાત કે તમે મારા માટે મા-બાપ કરતાં પણ વિશેષ એક મિત્ર હતા. ખરુ કહું તો મારા જીવનનો ધબકાર હતા. એ વાતને હું તમારા ગયા પછી જ સમજી શક્યો. અને ત્યારે જ હું સમજી શક્યો કે મેં તમને નાની નાની બાબતોમાં ખુબ હેરાન કર્યા છે. એ મારી બધીજ ભૂલો માટે હું તમારી માફી માગુ છું.. મને માફ કરજો...

બીજી વાત કે તમે મને મારા બાળપણમાં ખુબ રમાડ્યો. દુ:ખો વેઠીને પણ મારી જરૂરિયાતો પુરી કરી, મારા બાળપણને ખુશિયોથી ભરી દીધું.. મારા માટે રમકડા ખરીદ્યા, મારા ખાવા માટે મને ભાવતી વસ્તુઓ ખરીદી, મારા પહેરવા માટે નવા નવા કપડા લાવ્યા.. પણ હું કમનસિબ તમારા માટે કંઇ જ ના કરી શક્યો.. ના તમને ગાડીમાં બેસાડીને ફેરવી શક્યો, ના તમને કંઇ સારુ ખવડાવી શક્યો કે ના તો તમને એક જોડી નવા કપડા પહેરાવી શક્યો.... એ વાતનો મને જીવનભર અફસોસ રહેશે...

દાદા, તમારી એ સમજણભરી વાતો કે જેને હું ત્યારે સમજવાનો પ્રયત્નએ નહોતો કરતો.. આજે જ્યારે મારે એની જરૂર છે ત્યારે મને સમજાવનાર કે રસ્તો બતાવનાર કોઇ જ નથી.. એટલે દાદા તમે મારા જીવનમાં, મારી મુશ્કેલીના સમયે મારા માર્ગદર્શક બનીને મને સાચો રસ્તો બતાવજો...

દાદા, મેં સાંભળ્યું છે કે મૃત્યુ તો માત્ર શરીરનું થાય છે. આત્માનું નહીં કેમ કે આત્મા તો અમર છે. જો એ સાચુ હોય તો દાદા- તમે હજુ જીવો જ છો.. આ દુનિયમાં નહીં તો ક્યાંક મારી આસપાસ કે કદાચ મારી અંદર...

આ પત્ર લખી ને તમારો પ્રેમ માગુ છું.. તમારા આ દિકરાને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે જરૂર આવજો...... મા-બાપ બનીને, એક મિત્ર બનીને, એક માર્ગદર્શક બનીને તો ક્યારેક એક પ્રેમનું ઝરણુ બનીને આવજો... હું તમારી રાહ જોઇશ....

લિ.

તમારો લાડકો દિકરો... લાલો

( આ પત્ર મારા સ્વર્ગવાસી દાદા માટેની મારી અંગત લાગણીઓને વ્યક્ત કરે છે, ભલેને તેને મોકલવો એ એક કલ્પના રહી.. પણ એ દાદાને મારામાં હજીએ જીવતા રાખે છે. ક્યારેક એકાંતના સમયે તેમાં ડોકીયું કરી લઉ છું ને એ યાદોને, પ્રસંગોને જોઇ લઉ છું..)

– રાકેશ રાઠોડ