15 મી ઓગસ્ટ 2018
કનેડીયા પ્રા. શાળા, ગામ-કનેડીયા, તા-સતલાસણા, જિલ્લો- મહેસાણા
--- આજે લગભગ આખું ગામ ભેગું થયું હતું. નાના બાળકોથી લઈને યુવાનો, ગામના આગેવાનો અને વૃધો પણ આવ્યા હતા. સૌનું કહેવું હતું કે ગામલોકો ગામમાં ભલે સાથે ન બેસે કે ન બોલે પણ આ એક જ સ્થળ- ગામની શાળા જ છે કે જ્યાં આખાયે ગામના લોકો કોઈ વિવાદ વગર એક સાથે બેસે છે. એના માટે કારણ છે આ શાળા અને શાળાનો સ્ટાફ- શાળાના આચાર્યશ્રી કાનજીભાઈ ચૌધરી કે જે પોતાની આગવી સુજ-બુજથી કામ કરે છે.
હવે મારે જે વાત કરવી છે તે કહું તો આજના દિવસ 15મી ઓગસ્ટની ઉજવણી. આખું ગામ ભેગું થયું હતું. બાળકો ગામમાં પ્રભાતફેરી કરીને આવ્યા. વંદે-માતરમ, ભારત માતાકી-જય હો.. ના ઘોષ નાદથી ગામ ગજવી મૂક્યું અને ગામના સૌ આબાલ-વૃધ્ધ. રાષ્ટ્રધ્વજને સલામી આપવા આવી પહોંચ્યા. કાર્યક્રમનું સંચાલન મારે કરવાનું હોવાથી આચાર્યશ્રી, સ્ટાફ અને દાતાશ્રીઓ સાથે બેસી બધી જ માહિતી મેળવી અગાઉથી બધું આયોજન કરી લીધું હતું.
કાર્યક્રમ ચાલુ થયો. એસ.એમ.સી. સમિતિ અને ગામના આગેવાનોએ મળી આજના ધ્વજ વંદન માટે અધ્યક્ષશ્રીની વરણી કરી. ગામના ભૂતપૂર્વ સરપંચ એવા ઠાકોર કરશનજી કે જેમણે શાળાને 11000 રૂ. ભેટ આપ્યા. કાર્યક્રમ શરૂ થયો. રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી અને ત્રણ રાષ્ટ્રગીતોનું ગાન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય ફરજ પૂર્ણ કરી સૌએ પોતપોતાની જગ્યાએ બેઠક લીધી. મનુષ્ય તું બડા મહાન હૈ - ગૌરવ ગીતનું ગાન કરી ને માં સરસ્વતીને દીપ પ્રાગટય કરી પ્રાર્થના કરી. આચાર્યશ્રીએ સ્વાગત સંબોધનથી સૌનું સ્વાગત કર્યું, બાળકોએ પણ સ્વાગત ગીત અને બાળગીત કરી નાનકડો એવો ખૂબ જ સુંદર કાર્યક્રમ કર્યો.
આજના આ પાવન પ્રસંગે ખૂબ જ આવકાર્ય અને નોંધવા જેવું એક કાર્ય થયું. એ હતું ગામના ધો-૨ થી ધો-૧૨ સુધીના બાળકોને પ્રોત્સાહક ઇનામ આપવાનું. ગામના બે ખૂબ જ ઉત્સાહી યુવાનો - પરમાર રાજેન્દ્રસિંહ અને પરમાર ગણપતસિંહ. આ બંન્ને યુવાનોએ મળીને ગામના જે બાળકો અભ્યાસમાં પ્રથમ એક થી ત્રણ નંબરે આવ્યા છે એવા તમામ બાળકોને 'પ્રતિભા સન્માન કાર્યક્રમ' સ્વરૂપે એક કીટ ઇનામ આપી. (જેમાં જનરલ નોલેજની એક બુક હતી કે જે આ બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થાય એ સાથે એક ફોલ્ડર ફાઈલ, લખવા માટે પેડ, એક થેલો, દસ પેનનું બોક્ષ, અને એક મોટો ચોપડો. આવી ખૂબ જ સારી કીટ ઇનામમાં આપી).
આ બંને મિત્રોએ આ પ્રસંગે જાહેર કર્યું કે પોતે દર વર્ષે આ પ્રમાણે ઇનામ આપશે અને એ પણ પ્રાથમીકથી લઇ ને કોલેજ સુધીના વિદ્યાર્થીઓને, બીજી અન્ય પરીક્ષાઓમાં પાસ થનારને અને દર વર્ષે ગામમાંથી સરકારી નોકરીએ લાગનાર તમામને સન્માનિત કરવામાં આવશે. ગામના આગેવાનો અને વડીલોને પોતાના આ કાર્ય માટે સહયોગ આપવા માટે બંને મિત્રોએ વિનંતી પણ કરી. આજના કાર્યક્રમને અંતે સૌને નાસ્તો પણ આ બે મિત્રો તરફથી આપવામાં આવ્યો હતો. ખરેખર ખૂબ જ સરાહનીય અને ઉત્તમ કહી શકાય એવા ગામની પ્રગતિના આ કાર્યની શરૂઆત કરવા માટે આ બંને મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન...
શાળાના આચાર્યશ્રીએ તેમને સન્માનિત કર્યા. સાથે આચાર્યશ્રીએ આખાએ ગામને સંબોધતા કહ્યું કે શાળામાં મળેલા એક રૂપિયાને હું દસ કરીને હું શાળાના-વિદ્યાર્થીઓના વિકાસ માટે ઉપયોગ કરીશ. આ બાળકો એ ગામનું ભવિષ્ય છે, ભાવિ સંપત્તિ છે એને સાચવવી અને કેળવવી એ આ શાળા અને શાળા પરિવારની જેટલી જવાબદારી છે એ સાથે ગામની અને ગામના દરેક વ્યક્તિની પણ એટલી જ જવાબદારી છે એટલે તમે અને અમે સૌ સાથે મળીને આ કાર્ય કરીશું તો ખરેખર સફળ થઈશું..
આ ગામ તરફથી શાળાને મળેલ દાનની થોડી ઝલક તેમણે રજુ કરી જેમાં :-
> શાળાના નવ નિર્માણ માટે દાનમાં મળેલી આ જમીન.
> શાળાનો મુખ્ય દરવાજો
> કાર્યક્રમો માટે બનાવાયેલ રંગમંચ
> રમત-ગમત માટેનું મેદાન
> એક મોટું પક્ષીઘર/ચબૂતરો
> પાણીની મોટી ટાંકી
> આ સિવાય નાની મોટી વસ્તુઓમાં :- ટેબલ, કબાટ, તિજોરી, પાંખ જેવી ઘણી વસ્તુઓ અને રોકડ સ્વરૂપે પણ ઘણું દાન ગામ તરફથી આ શાળાને મળેલ છે.
પ્રસંગ ખૂબ ઉત્સાહ ભર્યો હતો. એટલે આ પ્રસંગે પધારેલા એક મહેમાન ચૌહાણ હિમતસિંહ કે જેઓ એક રિટાયર્ડ શિક્ષક હતા. તેમણે પણ થોડીક વાત કરી. તેમણે કહ્યું કે તેમના પોતાના ગામ બોલુદ્રામાં પણ આ પ્રમાણે જ પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને ગામ તરફથી મોટો કાર્યક્રમ યોજી પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે છે. અને આજે પરિણામ સ્વરૂપ સાબરકાંઠા જિલ્લામાંથી સૌથી વધુ કલાસ ૧/૨ અધિકારીઓ કે સરકારી નોકરિયાતો બોલુંન્દ્રા ગામના છે. ખરેખર વિચારવા જેવી બાબત છે કે નાના બાળકોને કે દરેક વ્યક્તિને મળેલું એક નાનકડું પ્રોત્સાહન કેટલા બધા સફળ બનાવે છે ! સાચી વાત ને..!
ખરેખર આજે સૌને પ્રોત્સાહનની જરૂર છે... સાચા માર્ગદર્શનની જરૂર છે. દરેક વ્યક્તિનામાં જે જે સારી બાબતો-સારા ગુણો પડેલ છે તેને બહાર લાવવાની જરૂર છે... તો જ એક-બીજાનો સહકાર મેળવી ને એક સાથે સૌ આગળ વધી શકીશું...
સાચે જ "વસુધૈવ કુટુમ્બકમ" - આખી દુનિયા એક પરિવાર છે... એવી ભાવના આપણા સૌમાં જ્યારે જાગશે ત્યારે આપણને સફળ થતાં કોઈ રોકી શકવાનું નથી...
!! વંદે માતરમ !!
✍... રાકેશ રાઠોડ
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ