જો ઋજુ હૃદય હશે તો આંખ ભીની થયા વગર નહીં રહે...!
આખી વાત વાંચજો...
********************
પંખીને ચણ (સત્ય ઘટના)
અમદાવાદમાં માધુપુરા જેવા વેપારધંધાવાળા વિસ્તારની સ્ટેટબેંક.
એમાં અરુણ ત્રિવેદી કામ કરે. સ્વભાવે પ્રેમાળ અને પારકી છઠ્ઠીનો જાગતલ. બેંકમાં સાડાદસ પછી વેપારીઓના મુનીમો ભરણું કરવા આવે.એ દરેક કર્મચારીઓ સાથે ઘરોબો રાખે.રોજનું કામ રહ્યું એટલે આમેય એકબીજાને ઓળખતા થઇ જાય.
રામશંકર નામે એક મુનીમ રોજ બેન્કના વ્યવહારો પતાવવા આવે. સ્વભાવે સાવ ઓછાબોલા. એ ભલા ને એમનું કામભલું. રોજ અરુણભાઈ સાથે માત્ર સ્માઈલનો વ્યવહાર થાય. ક્યારેક અરુણભાઈ સાથે બે શબ્દ બોલે પણ ખરા અને એ બે શબ્દો હોય: સાહેબ,ચકલાંને ચણ નાખવું.
દિવસો વીત્યા..મહિનાઓ વીત્યા...
એક દિવસ રામશંકરે અરૂણભાઈને કહ્યું: સાહેબ બે મિનીટ સમય હોય તો એક વાત કરવી છે. અરુણભાઈ તરત તૈયાર થયા. બહાર વેઈટીંગ લાઉન્જમાં એક સોફા પર બેઠા.
“સાહેબ,તમે ચકલાને ચણ નાંખો છો?”
“ના,”
“સાહેબ,હું વરસોથી ચણ નાખું છું.કોઈ ફાયદો નહોતો દેખાતો પણ ટેવ પડી ગઈ હતી.એમ જ કહોને કે ચણ નાખવાનું વ્યસન જ પડી ગયેલું. પણ મુંગાજીવોએ તો મને ન્યાલ કરી દીધો.”“ સમજ્યો નહિ”
પછી તો રામશંકર યાને રામભાઈએ આપવીતી કહી. બે મિનીટને બદલે કલાક થઇ ગયો.બબ્બે વાર ચા પીવાઈ ગઈ. બહુ ઓછું બોલનાર આજે પોતાની વાત કરવા થનગની રહ્યો હતો.
રામશંકર એટલે કે રામભાઈ ત્રીસેક વરસથી માધુપુરાની એક પેઢીમાં નોકરી કરે.પગાર તો કેટલો હોય? કુટુંબમાં હુતો હુતી અને એકમાત્ર દીકરો.
નારણપુરામાં એક જૂની સોસાયટીમાં એક મકાનમાં રૂમ-રસોડામાં ભાડે રહે. દીકરો પણ એવો જ સીધો સાદો. ભણવામાં હોંશિયાર. એમાંય બારમા ધોરણમાં ભાઈએ સાયંસ રાખ્યું. ટ્યુશનનું ગજું તો હતું નહિ. વિદ્યાનગર સ્કુલમાં ભણે ત્યાંય કપાસીસાહેબે એની ફીઝ માફ કરેલી.
આટલી મર્યાદા છતાં બારમામાં એ સારા ટકા લાવ્યો પણ એ એવી બોર્ડર પર કે બધે વેઈટિંગ લીસ્ટમાં જ હોય. દીકરો નિરાશ થયો.એને આઈ.ટી.માં એડમીશન જોઈતું હતું... દીકરો દોડધામ કરે અને રામભાઈ ચિંતા કર્યા કરે.
એમાંય એક દિવસ દીકરા મનને ભડાકો કર્યો કે એણે બેંગલોરમાં NITTE સંસ્થામાં અરજી કરેલી એમાં પ્રવેશ મળી જશે. દેશમાં ટોચની શૈક્ષણિક સંસ્થામાં એની ગણના થાય. સમાચાર તો સારા હતા પણ રામશંકર માટે ચાદર કરતાં પગ લાંબા હતા....તો ય એમણે દીકરાને નકારો ન કર્યો. બાપદીકરાએ બેંગલોર જવાનું નક્કી થયું. કરુણતા તો એ હતી કે ફીઝ રહી ફીને ઠેકાણે-બે જણના બેંગલોર જવા આવવાનો ખર્ચનો જ પ્રશ્ન હતો.
રામભાઈએ શેઠ પાસેથી ઉપાડ લીધો. જવા આવવાનું રેલ્વે રીઝર્વેશન કરાવ્યું.
રામભાઈને હતું કે જે થશે એ જોયું જશે. તો ય ખાંડણીયામાં માથું મૂકી જ દીધું છે વાળો ઘાટ હતો.
નિશ્ચિત દિવસે બાપદીકરો બેંગ્લોર પહોંચ્યા. NITTE પહોંચ્યા. ઓફિસમાં પહોંચ્યા.ત્યાં મનનને એક ફોર્મ ભરવાનું આપ્યું. એક બ્રોશર પણ આપ્યું.
રામાભાઈએ એક ટર્મની ફીઝ અને હોસ્ટેલની ફીઝ વાંચી. એમના તો મોતિયા મરી ગયા. કાઉન્ટર પર બેઠેલો ક્લાર્ક બાપ દીકરાની મૂંઝવણ જાણે પામી ગયો હતો.બાપના ચહેરા પરથી જાણે લોહી જ ઉડી ગયું હતું.
કલાર્કે મનનને બોલાવ્યો અને પૂછ્યું
“જેન્ટલમેન,એની પ્રોબ્લેમ?”
“સર, વી વિલ મેનેજ...લાસ્ટ ડેટ ઓફ પેમેન્ટ?” “ટુ મોરો”
મનનને ચક્કર જેવું આવી ગયું. એ બાપની પાસે જઈને બેઠો.રામભાઈ સમજી ગયા.એમણે મનનના ખભે હાથ મૂક્યો.મનન રડી પડ્યો..રામભાઈની મજબુરી હતી..દીકરાની પીઠ પસવારવા જેટલી હિમત નહોતી.
ક્લાર્ક ઉભો થઇ પાણી લઈને આવ્યો. મનનને આપ્યું. ભાષાનું બંધન હતું. એણે રામભાઈને કન્નડમાં કૈંક કહ્યું....રામભાઈ સમજી ગયા...એમણે જવાબ આપ્યો:
નો મની...
ક્લાર્ક મનન પાસે બેઠો. એની સાથે થોડી વાત કરી. મનન થોડો સ્વસ્થ થયો.એણે બાપને કહ્યું કે આ ભાઈ સાંજ સુધી રોકાવાનું કહે છે. એ આપણને એક જગ્યાએ લઇ જશે. પછી આપણાં નસીબ.
આમેય ટીકીટ બીજા દિવસ સાંજની હતી.રાત માટે કોઈ હોટલ પોસાય એમ નહોતી. ગુજરાતી સમાજમાં ઉતરેલા. રાત્રે સાવ અજાણ્યા જણ સાથે અજાણ્યા શહેરમાં અજાણી જગ્યાએ જવું એ જોખમ હતું પણ રામભાઈને લૂંટાવાની બીક નહોતી. કૈંક હોય તો લૂંટેને? સવાલ માત્ર સાંજ સુધીનો હતો. પેલાએ મનનને લંચ માટે સારી અને સસ્તી જગ્યાનું સરનામું લખી આપ્યું. આમેય બંને ભૂખ્યા થયેલા.
જમીને સાંજ સુધી એક બગીચામાં બેઠા. વચ્ચે વચ્ચે ઝોકાં ખાઈ લેતા...બે કલાકમાં બાપદીકરા વચ્ચે માંડ બે ચાર શબ્દોની આપ લે થઇ હશે...બહુ ચિંતા હોય ત્યારે મગજ શૂન્ય થઇ જાય છે. માણસને આ કુદરતી વરદાન છે.
છ વાગ્યે બંને કોલેજમાં પેલા ક્લાર્કની સામે હાજર થઇ ગયા. પાંચેક મીનીટમાં તો એ પરવારી તૈયાર થઈને બંનેને લઇ દરવાજે આવ્યો. એણે પૂછ્યું,ઓટો ?
જવાબમાં લાચારી હતી: As u wish.
રીક્ષા આવી.
એક કર્ણાટકી અને બે ગુજરાતીને લઇ બેંગ્લોરના રસ્તા પર એ દોડી. ખાસ્સુ અંતર કાપી ઓટો એક મસમોટા બંગલાના દરવાજે ઉભી રહી. ભાડું થયેલું બસો ચાલીસ...રામભાઈએ ખિસ્સામાં હાથ નાખ્યો પણ સાથે આવેલા કલાર્કે પેલાને કન્નડ ભાષામાં કૈંક કહ્યું...બધા બંગલામાં પ્રવેશ્યા. બાપ- દીકરા માટે સસ્પેન્સ ફિલ્મ જેવો અનુભવ હતો.
વૈભવ જોઇને અંજાઈ ન જવાયું પણ ઈંચે ઈંચમાં રહેનારનું સંસ્કારીપણું છતું થતું હતું. ડોરબેલ વાગ્યો. એક બાઈએ દરવાજો ખોલ્યો. કન્નડમા કૈંક વાત થઇ. ત્રણેય અંદર મોટ્ટા ડ્રોઈંગ રૂમમાં બેઠા. પેલી બાઈ અંદર જઈ પાણી લઇ આવી.
એ ગઈ પછી ખાસ્સી વારે એક જાજરમાન મહિલા બહાર આવી. બધાને અભિવાદન કરી એ સામે બેઠી. પરાણે પ્રણામ થઇ જાય એવું વ્યક્તિત્વ હતું. સાથે આવેલા કલાર્કે બાપદીકરાનો પરિચય આપ્યો, પછી કૈંક કહ્યું. થોડી વાતચીત થઇ. રામભાઈ અને દિકરા માટે સમજની બહાર હતું કે શું વાત થઇ.
મહિલાએ કોઈને ફોન જોડ્યો. થોડી વાત થઇ ત્યાં સુધીમાં ચાનાસ્તો આવી ગયેલો. કૈંક સૂચન આપી એ અંદર ગયાં.
ક્લાર્કભાઈએ તો ચા નાસ્તો ચાલુ કરી પણ દીધો. રામભાઈએ ચા પીવાની શરુ કરી,મનન તો એમ જ બેઠેલો જોઈ પેલાએ એને ચા લેવા ઈશારો કર્યો.....થોડી વારમાં હાથમાં ચેકબુક લઇ પેલા સન્નારી બહાર આવ્યા. પેલા સાથે કૈંક વાત થઇ.અને ચેક લખ્યો અને કલાર્કને આપ્યો.
કલાર્કે મનનને ભાંગીતૂટી હિન્દીમાં કહ્યું કે એક સેમેસ્ટરની ફી અને હોસ્ટેલ ફીની રકમ આવી ગઈ છે.
મનન તો સીધો પેલી મહિલાને પગે પડ્યો... વાતાવરણમાં ઉપકાર અને કર્તવ્ય છવાઈ ગયા.
બહાર પેલી રીક્ષા ઉભી જ હતી. એમાં ત્રણેય બેઠા..હવે મનનથી ન રહેવાયું એટલે પેલા કલાર્કને પૂછી જ લીધું કે આ કોણ દેવી હતા? અને એણે શા માટે આટલી તસ્દી લીધી?
જવાબ સાંભળી મનન તો સ્તબ્ધ થઇ ગયો અને કદાચ તમે ય સ્તબ્ધ થઇ જશો. એ મહિલા હતાં ક્રિકેટર અનીલ કુંબલેનાં માતુશ્રી. ક્લાર્ક જાણે એટલે કોઈ જરૂરીયાતવાળો હોય તો જ જોડે રહી નિમિત્ત બનતો. દાન સુપાત્રે જતું.
..હજીય એક યક્ષ પ્રશ્ન હતો.બીજા સેમેસ્ટરનું શું? પડશે એવા દેવાશે એમ વિચાર્યું...બીજા દિવસે પ્રવેશની વિધિ પતિ ગઈ.ઘેર આવી મનન નવા સત્રે બેંગ્લોર ગયો. એના પત્ર નિયમિત આવતાં. ક્યારેક ફોન પણ. એક દિવસ મનને ફોન પર કહ્યું: સંસ્થામાં વાલી દિન છે. તમારે આવવું પડશે.
હજી આગળ લીધેલો ઉપાડ પેઢીમાં પૂરો જમા ય થયો નહોતો.નવો ઉપાડ મળે જ નહિ.
શેઠે પણ ત્રીસ વરસની નોકરી ન જોઈ અને: વેત ન હોય તો દીકરાને આટલું ભણાવાય જ નહિનો ટોણો માર્યો. રામભાઈ કડવો ઘૂંટડો ગળી ગયો..તો ય એક ભાઈબંધ પાસેથી ભાડાનો જોગ થઇ ગયો પણ એ રાતે જ મનનનો ફોન આવ્યો અને રામશંકર સીધા જે ચોકમાં ચણ નાખતા હતા તે ચોકમાં પહોંચીને રડ્યા...આંસુ આનંદનાં હતાં...રાત હતી એટલે કોઈ દેવ હાજર હતા નહિ.
હજી રામશંકર રેલ્વેનું રીઝર્વેશન કરાવવા જતા જ હતા ત્યાં પડોશમાંથી પકાની બૂમ સંભળાઈ: રામુકાકા,આપનો ફોન.
ફોન હતો મનનનો. એણે બાપુજીને બેંગ્લોર આવવાની ના પાડી. એના વાલી તરીકે ખૂદ અનીલ કુંબલે આવવાના હતા.
કોણ જાણે કયા જન્મનો ઋણાનુબંધ હશે..નહિતર, ક્યાં કુંબલે ને ક્યાં મનન રામશંકર ઠાકર? જ્યારે મનન અને રામશંકર પેલા ક્લાર્ક સાથે અનીલ કુંબલેના ઘેર ગયા ત્યારે માજીએ ફોન પર જે વાત કરી એ એમના દીકરા અનીલ સાથે કરેલી. એ વખતે એ બહાર હતા. ચેક મળ્યો. ફીઝ ભરાઈ ગઈ. કોલેજ ચાલુ થઇ ગઈ એ પછી એકવાર મનનને એ દેવદૂતને મળવાનું મન થયું. ફોન કરી સમય લઇ એ પહોંચ્યો. એણે ધારેલું એ કરતા સાવ જૂદું જ વર્તન જોવા મળ્યું. મનન જાણે એના ઘેર આવ્યો હોય એવો અનુભવ થયો. આટલો મોટો ખેલાડી આટલો નમ્ર અને ઋજુ હશે એની કલ્પના સુધ્ધાં નહોતી. અનિલે એની પૂરી વાત સાંભળી અને એ ભણતર પૂરું કરે ત્યાં સુધી એના ખર્ચ માટે ચિંતા ન કરવાનું કહ્યું. વાતવાતમાં મનને પેરેન્ટ્સ ડેની વાત કરી. ડાયરી જોઈ અનીલ કુમ્બલેએ એના વાલી તરીકે હાજર રહેવાનું વચન આપ્યું.
મનન ખુશ હતો. એનાથી ખુશી ન જીરવાઈ એણે પ્રિન્સીપાલને કહી દીધું કે અનીલ કુંબલે એના વાલી તરીકે આવવાના છે. બસ,કોલેજમાં આ વાત વાઈરસની જેમ ફેલાઈ ગઈ. મનનનું માન વધી ગયું. મનન પણ જવાબદારીથી મહેનત કરવા માંડ્યો. કોઈએ એના પર મૂકેલ વિશ્વાસને યોગ્ય સાબિત કરવો હતો અને ફાઈનલમાં એ Distinction સાથે પાસ થયો. હવે અમદાવાદ પાછા જવાનું હતું. અનીલસરને અને માને મળવા ગયો. આભાર માટે કોઈ શબ્દો નહોતા એ કામ એની આંખોએ કર્યું.
અનીલ કુંબલે પણ લાગણીશીલ છે. એ પણ ભીંજાઈ ગયા. એ પછી મનન અમદાવાદ આવ્યો. હજી તો સાનંદઆશ્ચર્ય બાકી હતું. થોડા દિવસોમાં જ મુંબઈ INFOSISનો નિમણૂક પત્ર આવ્યો. મનન નોકરીમાં હાજર થયો.એણે સ્ટાફ ક્વાર્ટર પણ મળ્યું.
અરુણભાઈએ અહી પૂછ્યું કે તમે ય મુંબઈ જતા રહોને.
જવાબ શ્રદ્ધાનો હતો.
હું જાઉં તો ખરો પણ અહી ચકલાને ચણ કોણ નાખે?
ત્યાંય ચકલાં તો મળે ને?”
“ના,પણ અહીંનાં ચકલાંનું કોણ?”
આ છે હિંદુ સંસ્કૃતિની વાત...!
સો...સો સલામ કુંબ્લે પરિવાર ને...! 🙏🙏🙏
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ