છેલ્લાં ઘણાં દિવસથી કેટલાંક #શૈક્ષણિક_બૂટલેગરો કહે છે કે, “પહેલાંના ઋષિમુનિઓ ઝાડ નીચે બેસીને ભણાંવતા હતાં છતાં આજના કરતાં સારું શિક્ષણ આપતાં હતાં.” વાગોળને દુનિયા હંમેશા ઉંધી જ દેખાય " ! ગઈકાલના ઋષિમુનિઓનું જ #લેટેસ્ટ_વર્ઝન એટલે  “શિક્ષક"

             ઉપરના વાક્યને ફરી એકવાર વાંચો. “#ઝાડ_નીચે_ભણાવતાં ......” યસ, ભણાવતાં, અમે કયાં ભણાવીએ જ છીએ  ? ૧૮ પુરાણો, શાસ્ત્રો જોઈ લીધાં, એક પણ ઋષિમુનિ #BLO  ન હતાં. કોઈ ઋષિમુનિ #ઓડીટ કરાવવા નહોતાં ગયા. કોઈ ઋષિમુનિ ૨૦ દિવસીય બ્લોક - ક્લસ્ટર ની તાલીમમાં જોડાયા ન હતાં, એકપણ આશ્રમનું ઈન્સ્પેક્શન થયું ન હતું. હોળી-દિવાળી જેવા ઉત્સવો સિવાય અન્ય કોઈ ઉત્સવનું આયોજન કરેલ ન હતું. તે સમયે હજુ #શિષ્યવૃતિના કોઈ પત્રકો બન્યા ન હતાં. ઓન લાઈન #ડેટા_એન્ટ્રીને લગભગ પાંચેક હજાર વર્ષની વાર હતી. તે સમયે રાજાશાહી હોવાથી કોઈ ઋષિમુનિને પ્રિસાઈડીંગ કે પોલિંગ ઓફિસરનો ઓર્ડર મળ્યો ન હતો.  #ઉચ્ચત્તર_પગાર ધોરણ મેળવવા કોઈ ઋષિમુનિ દર દર કી ઠોકરે ખાતા જોવામાં આવ્યા નથી,  આવું તો કેટલુંય ગણાવી શકાય તેમ છે.

               ઋષિમુનિઓ સફળ હતાં તેનું કારણ છે:- આશ્રમોમાં ગુરૂઓ સિવાય અન્ય કોઈ અધિકારી અથવા કેન્દ્રિય સંસ્થાનું કોઈ નિયંત્રણ ન હતું. આપણા દેશની ગૌરવ સમી વિક્રમશિલા વિદ્યાપીઠમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હતાં. આ વિદ્યાપીઠનું સમગ્ર સંચાલન એક મુખ્ય અધ્યક્ષ અને ૬ વિદ્વાનોની સમિતિ મળીને વિદ્યાપીઠની પરીક્ષા, શિક્ષણ, શિસ્ત વગેરેનો પ્રબંધ કરતી હતી. ભારતની એકપણ વિદ્યાપીઠ, આશ્રમ કે ગુરૂકુળમાં રાજકારણને પ્રવેશ ન હતો. (#રાજકારણ_ખરાબ_બાબત_છે એવું કહેવાનો બિલકુલ આશય નથી.) તમામ સંસ્થાઓ #સ્વાયત્ત હતી. વળી, આ સંસ્થાઓમાં કઠોર અનુશાસનનું પાલન કરાવવામાં આવતું. તક્ષશીલાની શસ્ત્ર વિદ્યાલયમાં જુદાંજુદાં રાજ્યોના ૧૦૩ રાજકુમારો ભણતા હતા. તેઓ પણ જો વારંવાર ભૂલો કરે તો તેમનેય મહાપ્રસાદી મળતી હતી !

        હાલની સરખામણીમાં તે સમયનો PTR  ૫:૧ હતો.(પાંચ વિદ્યાર્થી દીઠ એક શિક્ષક) આ માહિતી નાલંદા વિદ્યાપીઠની છે. જે સમાજમાં કવિ કરતાં #ક્લાર્કને બેંક લોન જલદી મળતી હોય તે સમાજમાં શિક્ષક શું કરી શકે ?? દરેક ગુરૂકૂળને માટે કેટલાંક વિષયો ફરજીયાત હતાં, કેટલાંક વિષયો મરજીયાત હતાં તો કેટલાંક વિષયો ફરજીયાત અભરાઈએ ચઢાવી દીધેલ હતાં. #પાઠ્યપુસ્તકો શિક્ષણમાં બાધારૂપ હોવાથી આશ્રમોમાં તેમને એડમિશન મળ્યું ન હતું. #પ્રશ્નપત્રો_એકમ_કસોટીઓ અને #OMR_SHEET ઋષિમુનિઓએ રિજેક્ટ કરી હતી, માત્ર પ્રેક્ટીકલ એક્ઝામ લેતાં હતાં. પ્રતિ માસ રૂ.૧૮૦૦ ની સ્વચ્છતા ગ્રાન્ટ મળતી ન હોવાથી આશ્રમનું તમામ કાર્ય ગુરૂ-શિષ્ય જ કરતાં હતાં. આશ્ચર્ય એ વાતનું છે કે ઈતિહાસમાં ક્યાંય એવું નોંધાયું નથી કે કોઈ વાલી પોતાના બાળકને આશ્રમમાં કામ કરાવે છે એવી #ફરીયાદ લઈને આવ્યું હોય !!!

          પુરાતન કાળમાં શિક્ષકની એક લાયકાત એ હતી: તે કોઈ એક વિષયમાં નિષ્ણાંત હોવો જોઈએ અને અન્ય વિષયોનો જાણકાર હોવો જોઈએ. આજના સંદર્ભમાં મૂલવો તો આજે ધોરણ ૬ થી ૮ ના શિક્ષક માટે પ્રજ્ઞા વર્ગનો ઊંબરો #ડુંગરો બની જાય છે ! તથા પ્રજ્ઞા શિક્ષક માટે ધોરણ ૬ થી ૮ એ કોઈ #વિઝા લઈને જ જઈ શકાય એવું સ્થળ બની જાય છે ! આ વાત ન સમજાય તો આ ફકરાની પહેલી બે લીટી ફરી વાંચી લો. આમાં વાંક શિક્ષકનો નથી. આઝાદી બાદ આ દેશમાં સૌથી વધુ #પ્રયોગો શિક્ષણ અને દેડકા પર જ થયા છે ! આ સિલસિલો હજુ પણ ચાલુ છે.

          વિદ્યાપીઠોમાં ૫/૧૦ થી માંડીને ૬૦ વિષયો સુધીનું શિક્ષણ આપવામાં આવતું હતું. વિદ્યાર્થી જે વિષયમાં વધુ રસ બતાવતો, તે વિષયનું વ્યાપક જ્ઞાન આપીને તેને તે વિષયનો “નિષ્ણાંત” બનાવવામાં આવતો હતો. ભૌતિક વિષયોની સાથે સાથે ધાર્મિક અને આધ્યાત્મિક બાબતો પણ શીખવાડવામાં આવતી, એટલે તે સમયમાં શિષ્યોને વિદ્યાર્થીઓ કહેવાતા. આજે જે સાડા પાંચ કિલોના દફતરો ઊંચકીને પીળી પીળી બસોમાંથી ઉતરતાં #કીડ્સ_ઓક્ષ (બાળ બળદ) જુઓ છો ને તે #શિક્ષાર્થી છે “વિદ્યાર્થી” નથી. 

        દરરોજ સૂર્યોદય થાય અને એકાદ પ્રવૃતિ કરાવવાનો પરીપત્ર નિશાળ શોધતો શોધતો આવી જાય છે. અભ્યાસિક પ્રવૃતિઓ ઘટતી જાય છે ને સહ અભ્યાસિક પ્રવૃતિઓ વધતી જાય છે !! એકપણ ભારતમાતાનો પુત્ર શાળામાંથી આ નકામી પ્રવૃતિઓ બંધ કરવી એવો પરીપત્ર કરતો નથી. ઉદાહરણ સહિત વાત કરીએ તો જ્યારથી ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારથી પ્રાર્થના સંમેલનમાં કરાવવાની વિવિધ પ્રવૃતિઓના #અઢળક_પરીપત્રો થયા છે. પ્રાર્થના, ભજન, ધૂન, બાળગીત, અભિનય ગીત, આજનું પંચાંગ, સમાચાર વાંચન, ઉખાણાં, પ્રશ્નોત્તરી, યૌગિકક્રીયાઓ, શિક્ષકોના વક્તવ્ય, આજનું ગુલાબ, આજનો દિપક, પ્રજ્ઞાગીત, પ્રતિજ્ઞાપત્ર, ઘડિયાગાન, પુસ્તક સમિક્ષા વગેરે વગેરે વગેરે, ઉમેરાતું જ રહ્યું છે. કોઈ સરસ્વતીના સાચા સાધકે આમાંથી આ પ્રવૃતિઓ હવે રદ કરવી એવો લેટર કર્યો ખરો ?? શિક્ષક #એક્ટેવીટી_ઓક્ટૉપસ બની ગયો છે ! શિક્ષકો સ્વ વિવેકથી મેનેજ કરે જ છે, છતાં કોઈક તો સમજો !! 

        કેટલાંક ચોક્કસ શિક્ષકોની જરૂરિયાત ઊભી થાય ત્યારે પ્રસંશાના પુલ બાંધવામાં આવે છે. “તમે તો તાલુકાનું ક્રીમ છો, તમે તો જિલ્લાનું ક્રીમ છો, તમે તો રાજ્યનું ક્રીમ છો.” સ્વાર્થ સધાઈ જાય પછી આ ક્રીમ ખાટી છાશમાં રૂપાંતર થઈ જાય છે. “ “ખાટી છાશ” નું સ્થાન ક્યાં હોય તે તો આપણે જાણીએ જ છે. આ ક્રીમમાંથી #ખાટી_છાશ બનવાના સમય દરમ્યાન તે શિક્ષકના વર્ગનું શિક્ષણ #વલોવાઈ જાય છે.

        દલીલબાજીમાં પ્રકાશ ઓછો અને ગરમી વધુ હોય છે એટલે હવે કોઈ દલીલ કરવી નથી. પુરાતન સમયનું  શિક્ષણ બેશક સારૂ હતુ તેની ના નથી પણ તેના યોગ્ય સંદર્ભનો વિચાર કર્યા વગર આજના #શિક્ષકને શૂળીએ ચઢાવવો બિલકુલ યોગ્ય નથી...

એક શિક્ષકનો ખુલાસો જન હિતમાં જારી.