વાતો દિલની બધી જાણે છે તું,
છતાંય કહેવાનું મન થાય છે મને...
હસતો રહું છું બધાની સાથે પણ,
એકલા રડવાનું મન થાય છે મને
સુંદરતા ઘણી છે દુનિયામાં,છતાંય
તને જોવાનું મન થાય છે મને
વિશ્વાસ છે મને મારા દિલ પર,
છતાય પુછવાનું મન થાય છે મને
તું ક્યારે આવીશ મારા વ્હાલા ? કે
તને મળવાનું મન થાય છે મને...
તાળીઓનો ગડગડાટ થઇ રહ્યો હતો... ખુશીએ આ ગઝલ ગાઇ ને સામે બેઠેલા ઓડિયન્સ પર એક નજર ફેરવી ને સામે બેઠેલા નિર્ણાયકો સામે જોયુ.. નિર્ણાયક પેનલમાં બેઠેલા કૉલેજના પ્રિંન્સિપાલ, ગઝલકાર શરદ, સંગીતકાર કમલ એ બધા પણ ઉભા થઇ તાળીઓ પાડી રહ્યા હતા. એ જોઇ ને ખુશીની ખુશીનો પાર ન રહ્યો, તેનો ઉત્સાહ ઉભરાઇ રહ્યો હતો.. સ્ટેજ ઉપર ઉભી છે એનું પણ એને ભાન ના રહ્યું અને તે આનંદમાં ઉછળી પડી...
થેંક્યુ.. થેક્યુ.. થેંક્સ..... ટુ ઓલ.. કહેતી ને હાથ હલાવતી સૌનું અભિવાદન સ્વિકારતી તે સ્ટેજ પરથી નીચે ઉતરી. તાળીઓનો ગડગડાટ ને સૌની વાહવાહી જોઇને તેને લાગી રહ્યું હતું કે સ્પર્ધામાં પોતાની જીત ફાઇનલ છે. એ જ વિચારે તેનું દિલ જોરથી ધડકી રહ્યું હતું.. તે સ્ટેજ ઉપરથી નીચે આવીને બેઠી.. એના પછી કયો સ્પર્ધક આવ્યો કે તેને શું રજુ કર્યું એ પણ એને ખાસ ધ્યાન ન આપ્યું. બસ, વિચારતી રહી કે ક્યારે સ્પર્ધા પુરી થાય ને પ્રથમ વિજેતા તરીકે પોતાનું નામ જાહેર થાય. આમેય કૉલેજના આ વાર્ષિકોત્સવમાં આગળના બે વર્ષથી એ જ વિજેતા બનતી આવી છે.. અને આ વર્ષે પણ પોતે જ વિજેતા બનશે એવી તેને પાકી ખાત્રી હતી...
ખુશી...એટલે.. એક સુખી-સંપન્ન, પ્રેમાળ પરિવારની છોકરી. ખિલખિલાટ હસતી ને ખુબજ શરારતી પણ જોતા જ કોઇને પણ ગમી જાય એવી. તેની આંખો જાણે કે મસ્તીના જામ, ગુલાબની પાંખડીઓ જેવા તેના હોઠ, ઉગતા સુરજને પણ શરમાવે એવી તેના ગાલોની લાલી.. તે હસતી ત્યારે જાણે કે મોતીના દાણા ચમકતા. આખી કૉલેજ એની સુંદરતાની દિવાની હતી. ખુશીની એક ઝલક છોકરાઓના દિલમાં ધ્રુજારી જન્માવતી હતી. કૉલેજમાં તે રોજેરોજ અલગ-અલગ ડિઝાઇનના ફેશનેબલ કપડા પહેરતી. ખરેખર તો મોટા ભાગના છોકરા તેને જોવા માટે જ કૉલેજ આવતા એવું કહો તો પણ નવાઇ નહી..
અને કદાચ ભગવાનને પણ લાગ્યું હશે કે ખુશીની સુંદરતામાં ક્યાય કોઇ કમી ના રહી જાય અથવા તો એ પણ કદાચ ખુશિનો દિવાનો હશે કે જેણે ખુશિને સુંદરતા સાથે ઇનામ આપ્યુ.. “કોયલ જેવા મીઠા અવાજનું” .. ખુશી જ્યારે કોઇ ગીત ગાય ત્યારે કુદરત પણ શાંત થઇ ને સાંભળે છે.. એટલો સુરીલો તેનો અવાજ છે.. અને એટલે જ તો કૉલેજની દરેક સ્પર્ધામાં તે દર વખતે ફર્સ્ટ આવે છે.. આ વખતે પણ આ એન્યુઅલ ફંક્શનમાં ખુશીનો જ નંબર આવશે એવો તેનો પાકો વિશ્વાસ છે..
છેવટે ખુશીની અધિરાઇ વચ્ચે સ્પર્ધા પુરી.. ખરેખર આગળના બે વર્ષોની જેમ આ વખતે પણ ખુશીને પ્રથમ ઇનામ મળ્યું.. નિર્ણાયકોએ સ્ટેજ ઉપર બોલાવીને ખુશીનું સન્માન કર્યું. ગઝલકાર શરદજીએ ખુશીના ખુબ જ વખાણ કર્યા અને કહ્યું કે તે જરૂર એક મોટી સિંગર બનશે. સંગીતકાર કમલજીએ પણ એમની વાતને સમર્થન આપ્યું અને સાથે જ એ પણ કહ્યું કે જો ખુશીની ઇચ્છા હોય તો પોતે તેને સંગીતની તાલીમ આપશે અને પોતાની સાથે ગાવા માટે આમંત્રણ પણ આપ્યું..
ખુશી માટે તો જાણે આ એક સપના જેવું લાગતું હતું. તેનું હૃદય ફૂલ્યુ નહોતું સમાતું. કોંગ્રેચ્યુલેશન ખુશી.. કોંગ્રેટ્સ.. અભિનંદન ખુશી... કૉલેજના સ્ટુડંટ્સને અધ્યાપકો બધા ખુશિને અભિનંદન આપી રહ્યા હતા. ખરેખર તે બઉ જ સરસ ગાયું.. અને આના માટે પાર્ટીતો થવી જ જોઇએ.. કહેતી બધી બહેનપણીઓ ખુશીને વિંટળાઇ વળી હતી.
એ દિવસે ખુશીએ પોતાના બધા જ ફ્રેંડ્સને જોઇએ તેવી પાર્ટી આપી.. પૈસાની કમી તો હતી નહી કે વિચારવું પડે.. ખુબ એંજોય ને મસ્તી કર્યા પછી ખુશી ઘેર પહોચી. ઘરે જઇને તે પોતાની મમ્મીને વળગી પડી. પપ્પા, ભાઇ, કાકા-કાકી,દાદા બધાને બોલાવી ને ભેગા કર્યા અને સ્પર્ધામાં મળેલી ટ્રોફી બતાવી. ઘરના પણ સૌ ખુશીની ખુશી જોઇને ખુશ થયા. પપ્પાએ દિકરીની પીઠ થપથપાવી. મમ્મીએ પોતાની લાડકીની હાથેથી જાણે નજર ઉતારી.. અને કાકા-કાકી બધાએ અભિનંદન અને આશિર્વાદ આપ્યા..
આજે ખુશીને ઊંઘ નહોતી આવવાની... બેડમાં પડ્યા પડ્યા તે વિચારી રહી હતી... “હાથમાં માઇક હશે, મોટા સ્ટેજ ઉપર તે ગાતી હશે,, લાખો ઓડીયન્સની સામે.. તેના નામે ગીતોના આલ્બમ હશે, ટીવીમાં પ્રેગ્રામ અને છાપાઓમાં તેના ફોટા હશે.. કેટલુ રંગીન અને કેવું જબરદસ્ત પોતાનું ભવિષ્ય હશે.. ખરેખર પોતે એક સામાન્ય વ્યક્તિ બનીને નહી રહે.. આખી દુનિયામાં પોતાનું નામ હશે.. અને એ પણ...
અચાનક તેને યાદ આવ્યું.. વિચારોમાં... કે આખી દુનિયામાં પોતાનું નામ હશે.. પણ કોના લીધે..? મને જ મારી ઓળખાણ કરાવી કોણે..? હા યાર... હજુ તો ત્રણ વર્ષ પહેલા તે જ્યારે કૉલેજમાં દાખલ થઇ ત્યારે તો તેને પોતાને પણ ખબર નહતી કે તે આટલુ સરસ ગાઇ શકે છે..
તેને યાદ આવ્યો એ દિવસ. જ્યારે તે કૉલેજના બગીચામાં બેઠી હતીને તેની એક બહેનપણી એક લેટર લઇને આવેલી. કોણે આપ્યો એ કંઇ ખબર ન હતી, પહેલા તો તેણે ફાડીને ફેકી દેવાનો વિચાર આવ્યો..પણ લાવને એક વાર જોઇ લઉ એમ વિચારીને ખોલ્યો... લખ્યું હતું કે- ખુશી તું બઉ જ સરસ ગાય છે.. તારો અવાજ કોયલ કરતાં પણ મીઠો છે.. ખુશી મેં એક ગઝલ લખી છે એ તને મોકલાવું છું.. તુ કાલના પ્રોગમમાં એ ગાય તો સૌને જરૂર પસંદ આવશે... બસ એટલુ જ..
અને નીચે ગઝલ લખેલી હતી..
કોણે લખ્યું હશે આ અને એને શું ખબર કે હું સારું ગાઉ છું.. બીજું કે એની લખેલી આ ગઝલ હું શું કામ ગાઉ..? જો કે હું તો આજ સુધી કોઇ પ્રોગ્રામમાં ગાતી પણ નથી.. પ્રશ્નો ગણા હતા.. ને જવાબ એકેય નઇ પણ એ ગઝલ ખરેખર બઉ જ સરસ હતી.. કેટલીયે વાર પોતે એ ગઝલ વાંચી ગઇ હશે.. અને હા..ના ના વિચારો વચ્ચે થોડા સંકોચ સાથે એ પ્રોગ્રામમાં તેણે ગાઇ.. અને ખરેખર સૌએ તેના ખુબ જ વખાણ કર્યા.. ત્યારે પહેલી જ વાર પોતાને અહેસાસ થયેલો કે હું આટલુ સરસ ગાઇ શકું છું..
એના પછી ખુશીએ ગણા કાર્યક્રમોમાં ભાગ લીધો અને દરેકમાં તે પ્રથમ ઇનામ મેળવતી ગઇ.. તેનો કોંન્ફીડન્સ સતત વધતો રહ્યો અને આજે તે આ સ્થાને પહોચી ગઇ છે. ખુશીએ ઘણી વાર એ લેટર લખનારને મળવાનો પ્રયત્ન કર્યો છે પણ તે દરેક વખતે – પછી ક્યારેક કહીને મળવાનું ટાળે છે.. જોકે ખુશી માટે તે હંમેશાં જરૂર હોય ત્યારે દરેક કાર્યક્રમ વખતે ગાવા માટે ગઝલ, કવિતા,ગીતો લખીને મોકલાવે છે.. આજના પ્રોગ્રામમાં પણ એની લખેલી ગઝલ જ તેણે ગાઇ હતી.. કોણ હશે એ..? આટલી સરસ ગઝલો-ગીતો લખે છે.. ને મને મળવાથી કેમ દુર ભાગે છે.. ? હવે તો કોઇ પણ સંજોગે ગમે તે રીતે હું એને મળીને જ રહીશ.. એવો મનથી પાકો નિર્ણય કરીને તે ઊંગી ગઇ..
બીજા દિવસે સવારમાં તૈયાર થઇ ને પહેલા જ તે રીયાના ઘરે પહોચી ગઇ.. જે દર વખતે એ લેટર લાવે છે..
‘રીયા આજે તો તું મને કહી દે કે એ કોણ છે ? નહી તો હું અહીંયાંથી જવાની જ નથી..’ ખુશીએ મનથી કરેલો પોતાનો પાકો નિર્ણય રીયાને કહી દીધો.
‘સોરી.. યાર મને માફ કરીદે.. પણ હું તને એ નઇ કહી શકું.. તું સમજે તો સારું કે મારી પણ કોઇક મજબુરી છે. એણે મને ના કહેવા માટે કસમ આપી છે યાર. અને તે એટલો સિમ્પલ ને સીધો છે કે હું એનો વિશ્વાસ તોડવા નથી માગતી.’ રીયાએ પણ જે હતી એ હકિકત ખુશીને કહી દીધી.
પણ ખુશી તો આજે પાકો નિશ્ચય કરીને આવી હતી.. એ શાની માને. થોડીક વાર વિચાર કરીને તેણે એક પ્લાન ગડી કાઢ્યો. ‘રીયા હું તારી મજબુરી સમજી શકું છું.. પણ જો આજે હું એને નહી મળી શકું તો પછી ક્યારેય નહી મળી શકું કારણ કે હવે તો કૉલેજ પણ પુરી થઇ ગઇ છે. એટલે જો તું માને તો હું તને એક આઇડિયા આપુ છું એમાં તારી મજબુરી પણ નહી તુટે ને મારુ કામ પણ થઇ જશે... ઓકે..’ એમ કહી ને તેણે રીયાને બધી વાત સમજાવી.. કે ‘જો તું એને ફોન કરીને કોઇ બહાને મળવા માટે બોલાવ, કહેજે કે ખુશીને એક ગઝલ લખેલી જોઇએ છે.. એટલે એ ના નહી પાડે, અને એમ ના આવે તો તે ક્યાં છે એ પુછી લે અને હું ત્યાં જ આવું છું એમ કહેજે.. પછી આપણે બન્ને ત્યાં જઈએ.. તું એની સાથે વાત કરજે ને હું દુરથી જોઇ લઇશ.. બસ મારું કામ પુરું... બરાબર ને..’
રીયાએ ઘણી આનાકાની કરી પણ ખુશીની જીદ આગળ છેવટે તે માની અને તેણે ફોન લગાવ્યો.. અને ખુશીના કહ્યા પ્રમાણે વાત કરી.
‘ખુશી અત્યારે તેના મમ્મી-પપ્પા સાથે મંદિરે દર્શન કરવા ગયો છે.. વળતાં મને મળીને જવાનું કહેતો હતો પણ મેં એને કહ્યું કે હું પણ મંદિરે દર્શન કરવા જ આવું છું તું ત્યાં જ રહેજે’
ઓકે.. તો ચલ યાર.. રાહ શાની જુએ છે.. ? ખુશી સોફામાંથી સફાળી ઉભી થઇ ગઇ ને રીયાનો હાથ પકડી ખેચવા લાગી..
અરે.. પણ, ખુશી.. રીયા પાછળ કંઇક બોલતી હતી છતાં ખુશી ના રોકાઇ ‘એ પણ-બણ બધુ પછી.. ક્યાંક એ જતો ના રહે’ કહેતી ખુશી એનો હાથ ખેચતી બહાર લઇ ગઇ.. રીયાને પણ સમજાઇ ગયું હતું કે ખુશી આજે કોઇ પણ વાતે માનવાની નથી.. એટલે વધારે જીભાજોડી છોડી તેની પાછળ ચાલવા લાગી.
બંન્ને સખીઓ ગાડીમાં બેસીને મંદિરના રસ્તે ચાલી નિકળી.. ખુશીને ફાસ્ટ ગાડી ચલાવતી જોઇ રીયાએ ટોકી પણ જો આજે સાંભળે તો એ ખુશી શાની..? ફટાફટ બન્ને મંદિરે પહોચી ખુશીને ખુબ જ અધીરાઇ હતી કે આજે તે એ વ્યક્તિને મળી શકશે જેના કારણે તે પોતાની જાતને ઓળખી શકી છે. બંન્ને આખા મંદિરમાં ફરી વળી, બધી જગાએ જોઇ વળી પણ તે ક્યાંય દેખાયો નહી.. ગણો સમય લગભગ અડધો કલાક થઇ ગયો પણ ક્યાંય મળ્યો નહી.. આટલો સમય થયો કદાચ હવે તો એ જતો પણ રહ્યો હશે.. છેવટે થાકીને બન્ને બહેનપણીઓ એક બોકડા પર બેઠી, ખુશી ખુબ જ નિરાશ થઇ.. મનથી નિશ્ચય કર્યા પછીએ આટલો પ્રયત્ન કર્યા છતાં તે એને ના મળી શકી એનું ખુબ જ દુ:ખ થયું.. જીવનમાં ક્યારેય પોતાને આવી અધિરાઇ નથી થઇ.. કોઇને પણ મળવા માટે કે કોઇ પણ વસ્તુ માટેય.. જે જોઇએ તે સામેથી આવીને મળી રહ્યું છે. ચહેરા પર પરસેવો વળ્યો હતો એ બે હાથે તેને સાફ કર્યો- રૂમાલ પર્સમાં હતો અને પર્સ ગાડીમાં જ પડ્યું હતું.. હતાશા ભર્યા ચહેરે તેણે મંદિર તરફ નજર કરી.. શું એ મંદિરમાં બેઠેલો ભગવાન પણ નહી ઇચ્છતો હોય કે તે એને મળી શકે.. અને તેને યાદ આવ્યું.. ‘અરે.. તે મંદિરમાં દર્શન કરવાનું તો ભુલી જ ગઇ છે’ અને તે ઉભી થઇ મંદિરમાં દર્શન કરવા ગઇ. બે હાથ જોડીને ઉભી રહી અને મનોમન તેણે ભગવાનની માફી માગી.. આંખો બંધ કરીને તેણે પ્રાર્થના કરી. પછી ત્યાંથી પાછી વળતાં તેણે જોયું કે રીયા કોઇ છોકરા જોડે વાત કરી રહી હતી.. તે થોડી નજીક જઇને પણ દેખાય નઇ એ રીતે
એ રવિ હતો.. ખુશીનો ક્લાસમેટ છેક પહેલા ધોરણથી.. અને ખુશિનો ફ્રેંડ પણ. બંન્નેના પરિવારો વચ્ચે પણ સારી એવી ઓળખાણ પણ છે... રવિ દેખાવમાં થોડો મધ્યમ છે.. પણ હોશિયાર અને બોલવામાં થોડો ઓછો.. ખુશી બે મિનિટ માટે વિચારી રહી કે રવિ તો એ છોકરો નહીં હોય ને..? ના ના જો એવું હોય તો એને શું કામ મારાથી છુપાવવું પડે..?
રીયાના શબ્દો તેણે સાંભળ્યા- ‘અરે યાર, હું ક્યારની તને શોધું છું ? ક્યાં હતો તું ?’
મતલબ કે રવિ જ એ છોકરો છે.. ખુશીને હવે ખબર પડી..
અને સામે રવિના શબ્દો સંભળાયા- ‘હા, યાર.. પણ મમ્મી-પપ્પાની સાથે મંદિરમાં અંદર પુજા કરવા બેઠો હતો’.. બોલ શું કામ હતું..?
અરે.. ખુશીનો ફોન આવેલો એણે એક ગઝલની જરૂર છે..
હા.. પણ એ તો તેં કહ્યું હોત તો હું તને મોકલાવી દેતો..
પણ હા, એના પહેલા એક વાત કે ખુશી મારી જેમ તારી પણ ફ્રેંડ છે તો તું સીધા એને જ કેમ નથી આપી દેતો..? કેમ તને એની સામે છુપાવે છે..?
શું કહું યાર.. હું ખુશીને હંમેશા ખુશ જોવા માગુ છું.. લાઇફમાં તેને જે જોઇએ એ મળે બસ એવી જ મારી ઇચ્છા છે.. અને રહી વાત છુપાવવાની તો એક તો ખુશી એટલી સુંદર છે.. અને તેની સામે હું તો કંઇ જ ન ગણાઉ.. એ સિવાય બીજુ કે એ સુખી ઘરની છોકરી છે અને હું એક મિડલક્લાસ છું.. અને જો ખુશી આ વાત કઉ તો કોણ જાણે એ શું વિચારે ? કદાચ મારાથી વાત કરવાનું પણ છોડી દે.. અને એવું થાય તો હું શું કરું.? બસ , એટલે જ છુપાવું છું..
છુપાઇને એ બંન્નેની વાતો સાંભળતી ખુશી દોડતી આવી ને રવીને વળગી પડી... એની સામે જોઇને કહેવા લાગી – “પણ બુધ્ધુ,... હવે છુપાવવાની જરૂર નહીં પડે, હું બધુ જ જાણી ગઇ છું” અને ના તો હું તારી સાથે બોલવાનું બંધ કરીશ કે નઇ તો દૂર જઇશ.. પણ હવે તો જીંદગીભર તારી સાથે જ રહીશ..”
રવિ તો ચકિત થઇને જોઇ જ રહ્યો.. ખરેખર હકિકત છે કે સપનું...? જો આ હકિકત છે તો આટલા વર્ષો તેણે વ્યર્થ જ કાઢ્યા..બોલ્યા વગર દિલની વાતો છુપાવી ને..? પણ ચલો, કોઇ વાંધો નઇ મોડા તો મોડા પણ બોલાયું એટલે બસ છે..
.... અને અત્યારે પણ ખુશી ને રવિ એક પરફેક્ટ લાઇફ પાર્ટનર તરીકે લાઇફ જીવી રહ્યા છે.. રવિ ખુશી માટે લખે છે ને ખુશી રવિ માટે ગાય છે.. ભલે ને ખુશી એક મોટી સિંગર બની ગઇ હોય..
તો.. મિત્રો તમે પણ કોની રાહ જુઓ છો...? સમય જાય છે આવતો નથી..! એટલે જો તમારે પણ કોઇને કહેવું હોય તો બોલીનાખો છુપાવ્યા વગર જે હોય તે “દિલની વાતો”