મેહુલ જમીને છાપુ વાંચવા બેઠો અને કવિતાએ ટી.વી. ચાલુ કરી. બંન્નેના લગ્નને હજુ એક વર્ષ જ થયું હતું. બન્ને પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. બન્ને સમજદારીથી જીવન જીવતા હતા ને શાળાની બાજુમાં જ મકાન ભાડે રાખી ને રહેતા હતા.

કેમ છો... સાહેબ ? અંદર આવું કે...? પ્રશાંતે દરવાજો ખુલ્લો હોવા છતાં પણ ખખડાવ્યો અને ઠાવકાઇથી અંદર આવવાની રજા માગી.

અરે... આવ આવ... પ્રશાંત.. તું પણ શું યાર અંદર આવવાની રજા માગે છે. મેહુલે પોતાના મિત્રને આવકાર્યો. પ્રશાંત L.I.C. નો એજંટ હતો અને ખુબજ શાણો ને ચાલાક હતો.. એનું વર્તન સામેવાળાને ગમી જાય એવું અને એની વાતો એવી કે સામેવાળાને એ ધારે તો lic નો નાનો સરખો પણ વીમો પકડાવી જ દે. ખેર... પ્રશાંતને મેહુલે જ બોલાવ્યો હતો. મેહુલે પ્રા. શાળામાં વિધ્યાસહાયક તરીકે 5 વર્ષ ફિક્સ પગારની નોકરી કર્યા પછી હવે પુરો પગાર થયે બે વર્ષ થયા હતા. અને હવે એને બચત કરવી જરૂરી જણાતાં પ્રશાંતને lic ની પોલીસી લેવા માટે બોલાવ્યો હતો. પ્રશાંતે બધી પોલીસીઓની માહિતિ આપી. મેહુલે એમાંથી બે પોલીસી પોતાના માટે પસંદ કરી.

પ્રશાંત એક એક માહિતિ પુછી ને ફોર્મ ભરતો હતો. તેમાં એણે વારસદારનું નામ પુછ્યું.. (કદાચ કોઇ બનાવ બને તો પોલીસીની રકમ કોને આપવી/મળે તે) ને મેહુલે પોતાના પિતાનું નામ લખવા કહ્યું.. અત્યાર સુધી શાંતિથી T.V. જોતી કવિતા એ સાંભળીને બોલી ઉઠી ‘કેમ તમારા પપાનું નામ ? હું તમારી પત્નિ છું તો મારુ નામ લખાવો ને..’

હા ... પણ મે પહેલા એક પોલીસી લીધેલી એમાં પપ્પાનું જ નામ લખાવેલુ. મેહુલે કહ્યું.

ત્યારે આપણા લગ્ન નહોતા થયા.

તે શો વાંધો છે... પપ્પાનું નામ લખાવું કે તારું..? ના અત્યારે આપણા લગ્ન થઇ ગયા છે.. એટલે તમારા પર પહેલો હક મારો લાગે..!

હા સાહેબ..! સાચી વાત છે... ભાભીની ... પ્રશાંત વચ્ચે જ બોલ્યો.. (કદાચ કવિતાને સારું લગાડવાના આશયથી) અને લગભગ બને ત્યાં સુધી બધા વારસદારમાં પોતાની પત્નીનું જ નામ લખાવતા હોય છે. કારણ કે પતિના પછી બીજી જવાબદારી પત્નીની જ આવે છે... બાળકોને ઉછેરવાની અને પરિવારને સાચવવાની...

મેહુલને પ્રશાંતનું આ બીજુ કારણ કંઇક થોડુ સમજાયું. ‘Ok તો લખીનાખ કવિતાનું નામ’... ફોર્મ ભરાઇ ગયા પછી વાતોમાં મોકો જોઇને પ્રશાંતે કવિતાને પુછ્યું ‘ભાભી તમારે પોલીસી નથી લેવી..?’

ના મારે શું કરવી છે...?

‘હા... કવિતા...! સાચી વાત છે પ્રશાંતની..! તું પણ એક નાની પોલીસી લઇ લે ને..! પગારમાંથી જરૂર સિવાય જે પૈસા વધતા હોય એની...’

‘ના મારા પગારમાંથી એક રૂપિયો પણ નહિં.. મારો પગાર એ તો હું મારા મમ્મી-પપ્પા ને જ આપી દઇશ’...

‘પણ કવિતા તું તારો બધો પગાર તારા મમ્મી-પપ્પા ને આપી દઇશ તો આપણે કેવી રીતે ચલાવશું ?’ કંઇ ન સમજાતા મેહુલે સહજ સહજ પ્રષ્ન કર્યો..

‘એ તમારે જોવાનું... તમે મને પરણીને લાવ્યા છો તો એ બધુ પુરુ કરવાની તમારી જવાબદારી છે’. સાચી વાત છે ભાભી..! પ્રશાંતે કવિતાની વાતને ટેકો આપ્યો. હંમેશાં પોતાનો મતલબ જોતો પ્રશાંત બીજુ શું કહે..? તે ચાલ્યો ગયો. રાતના ૧૧ વાગ્યા હતા.. કવિતા બાજુમાં જ ઉંગી હતી ને મેહુલ ડાયરી પેન લઇ લખતો હતો. આજની હમણા જ બનેલી કવિતાની એ બાબતે... જ્યારે પોતે PTC કોલેજ કરવા ગયો ત્યારથી એને ટેવ હતી કે દિવસ દરમ્યાનની જે કોઇ બાબત નોધવા જેવી લાગે તે રાતે ઉંગતા પહેલા ડાયરીમાં નોંધી લેતો અને આજે એમાં કવિતાની એ બધી વાતો નોંધી...

એક સવારે વહેલા ફોન આવ્યો.. મેહુલના મમ્મીને હોસ્પિટલમાં દાખલ કર્યા છે.. મેહુલ અને કવિતા બન્ને હોસ્પિટલે પહોચ્યા. ગઇ કાલે આખો દિવસ પેટમાં દુખતું હતું એટલે દવાખાને લાવ્યા.. ત્યાં ખબર પડી કે તાત્કાલીક ઓપરેશન કરવું પડે એમ છે.. ને એક લાખ રૂપિયા ભરવા પડશે.. બધા એમની જ રાહ જોઇને બેઠા હતા..

કંઇ વાંધો નથી હું પૈસા ભરી દૌ છું... કવિતા તારા ખાતામાં લાખ રૂપિયા પડ્યા છે.. લાવ ચેક લખી આપ.. થેલામાં ચેકબુક પડી હશે..

એ...એ..તો મેં મારા પપ્પાને આપી દીધા.. એમને જરૂર હતી એટલે.. કવિતા લથડતા શબ્દોમાં બોલી... મેહુલ કંઇ બોલી શક્યો નહી... માત્ર એની સામે જોઇ રહ્યો.. એના પછી મેહુલના મામાએ લાખ રૂપિયા આપ્યા અને ઓપરેશન થઇ ગયું.. મેહુલ અઠવાડીયાની રજાઓ મુકી ઘેર રહ્યો અને કવિતા એકલી નોકરીએ ચાલી ગઇ.. આજે રાતે મેહુલે કવિતાની બીજી બાબત એની ડાયરીમાં નોંધી...

કવિતા તારી પાસે પૈસા પડ્યા હતા તો તે કેમ ના આપ્યા ? ખોટુ બોલી કે એ તારા પપ્પાને આપી દીધા છે ? જ્યારે મેહુલે આવુ પુછ્યું ત્યારે ... તેણે કેવો લુખ્ખો જવાબ આપ્યો..

‘મેહુલ તમે જાણો છો કે તે પૈસા ઉપર મારા મમ્મી-પપ્પાનો હક છે.. એમણે મને ભણાવી ગણાવી ને નોકરીએ ચડાવી તો હું એ પૈસા કેવી રીતે આપી શકુ.?

મેહુલે સામે કંઇ કહ્યું નહી.. બસ, એના હૃદયમાં કંઇક તુટી ગયું.. અઠવાડીયું પુરુ થયું.. મેહુલ નોકરીએ આવી ગયો.. એક લાખ રૂપિયાની લોન લઇને મામાને મોકલાવી દીધા.. પણ કવિતા તરફનો તેનો ભાવ બદલાઇ ગયો...

“સારા માણસોની પણ એક ખરાબ ટેવ હોય છે...
તે સબંધો તોડતા નથી.. ઓછા કરી નાખે છે”

હા... પણ આ એજ સમજી શકે.. જેણે અનુંભવ કર્યો હોય... એમને એમ સમય વિતતો ગયો.. બાર મહિના.. દોઢ વર્ષ.. ને ધીમે ધીમે મેહુલ કવિતાથી દુર થતો ગયો... મનથી..

શાળામાંથી પ્રવાસ જવાનો હતો... જામનગર, દ્વારકા, સોમનાથ... એમાં મેહુલ પ્રવાસે ગયો અને કવિતા એટલા દિવસ એના મમ્મી-પપ્પાને ઘેર રહેવા ગઇ.

પ્રવાસ સારો ચાલતો હતો.. કવિતા રોજ સમાચાર લેતી.. એમાં ત્રીજા દિવસે સવારથી મેહુલને ફોન લાગતો ન હતો... આખો દિવસ પુરો થવા આવ્યો હતો.. પણ વાત થઇ નહી એટલે કવિતા બેચેન થતી હતી... ત્યાંતો મોબાઇલમાં કોઇકનો ફોન આવ્યો ને સમાચાર મળ્યા.. “પ્રવાસે ગયેલા તે બોટમાં બેસી દરિયામાં ગયા હતા ને કંઇક અકસ્માત થતાં બોટ ડૂબી ગઇ હતી. એમાં લગભગ તો બધા બચી ગયા છે.. બસ ત્રણ બાળકો નથી મળ્યા અને... એક શિક્ષક જે બાળકોને બચાવવા ગયો હતો. કવિતા ચિસો પાડી ઉઠી... ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. .. એની હૃદય ભેદક વેદના છલકાઇ પડી... બધા ભેગા થઇ ગયા... વાત જાણી ને દુ:ખનો પાર ન રહ્યો.. બધે જ જાણે માતમ છવાઇ ગયો.. કવિતા અને મેહુલના લગ્નને હજુ બે વર્ષ થયા હતા ને તેઓ સહ જીવનના રસ્તે હજુ ચાલતા થયા હતા... ને ત્યાં જ આવી કરુણ ઘટના..?

પણ શું થઇ શકે ? સત્ય એતો સત્ય જ હતું.. ઘર, કુટુંબ, ગામ અને એ સિવાય બીજા કે જેમણે કોઇ સબંધ ન હતો તેમને પણ આ વાત જાણી એમના માટે લાગણી ને વેદના થઇ આવી.. ખોવાયેલ બાળકો અને શિક્ષકની ત્રણ ચાર દિવસની શોધ પછી પણ કોઇ ન મળતા એમને મૃત્યુ પામેલ જાહેર કરવામાં આવ્યા હતા.

કવિતાનો ચહેરો કરમાઇ ગયો. એની આંખોનું નૂર સુકાઇ ગયું.. રહી રહી ને તેના મનમાં મેહુલ અને તેની સાથેનું જીવન આવ્યા કરતું હતું. જે કોઇ આવે તે એને આશ્વાસન આપતું ને જે થયું તે સ્વિકારવા કહેતું... પણ તે લાચાર હતી... બેબસ હતી... મેહુલ સાથેની દલીલો અને પોતાની ભૂલો તેને યાદ આવતી ત્યારે તે વિચારતી કે જો હવે તેને મેહુલ પાછા મળે તો તે ક્યારેય એવી દલીલો કે ભૂલો ન કરે.. પણ હવે એ તો માત્ર કલ્પના જ હતી.

સમય પથ્થરની લકિર પણ ભુસી નાખે છે. એમ સમય વિતતો ગયો.. બધી ક્રિયાઓ વિધીઓ પુરી થઇ ગઇ.. કવિતાને બધાએ સમજાવી... સહારો આપ્યો ને હવે તે નોકરીએ પણ ચાલી ગઇ... હાસ્ય ખોવાઇ ગયું હતું એટલે તે માત્ર કરવા ખાતર બધું કરતી હતી.. અને રાત્રે ખવાય તે ખાઇ ને સુઇ જતી..

પાંચ - છ મહિના વીતી ગયા.. ને એક સવારે કવિતા જાગી કોઇ દરવાજો ખખડાવતું હતું.. દરવાજો ખોલ્યો.. કોણ ? ... મ..મેહુલલ...? હા...હ..હ ગળામાં ડૂમો ભરાઇ આવ્યો.. શબ્દો ન નિકળ્યા પણ આંખો છલકાઇ પડી.. ને તે મેહુલને બાથ ભરી વળગી પડી.. કંઇ કેટલીએ વાર સુધી..

મેહુલે તેને હાથ પકડીને છુટી કરી ને શાંત પાડી. ઘરમાં લઇ ગયો. કવિતા રડતી હતી ને તૂટક તૂટાક અવાજે એક સાથે ઘણુ બોલવા મથતી હતી... પણ શબ્દો નિકળતા ન હતા.. ને મેહુલ એમજ બેઠો હતો... નિષ્ઠુર..! કવિતા હું તારાથી છુટાછેડા લેવા આવ્યો છું.

હેં...! ખુશિના શ્વાસથી ભરાયેલા કવિતાના હૃદયમાં ઘા પડ્યો.. શું.. કેમ..?? એટલી જ સ્વસ્થતાથી મેહુલ બાજુમાં બેઠો ‘કવિતા હું બે દિવસથી ઘેર હતો.. મે પ્રવાસે ગયા ત્યાં બોટમાં બેસીને દરિયામાં ગયા.. ત્યાં બાળકોની જીદના લીધે અમારે દરિયામાં મોડુ થયું ને અમે મિજાઓમાં ફસાઇ ગયા. અમારી બોટ તુટી ગઇ.. અમને મદદ પણ મળી છતાં અંધારામાં મે પાણીમાં પડેલા બાળકોને બચાવવાનો પ્રયત્ન કર્યો. એમાં હું જ છુટો પડી ગયો. તુટેલી બોટના એક પડખાને પકડી રહ્યો અને ડૂબતો તરતો તે મને બીજા કિનારે લઇ ગયું. મારી હાલત એટલી ખરાબ થઇ ગઇ હતી કે છ મહિને મને ભાન આવ્યું.. એક ભલો માણસ મને એવી હાલતમાં દવાખાને લઇ ગયેલો.. મને ભાન આવ્યું ત્યારે હું સીધો ઘેર આવ્યો.. તને મળવાની પણ એટલી જ તાલાવેલી હતી...
પણ,.. ઘેર ગયો મમ્મી-પપ્પાને મળ્યો ... ત્યાં મને જાણવા મળ્યું કે બધે મારા મૃત્યુના સમાચાર ફેલાયા હતા. એમાં જ્યારે મેં તારા વિશે સાંભળ્યું ત્યારે ખરેખર ખુબ જ દુ:ખ થયું.. જીવવા છતાં પણ જાણે હું મરી ગયો..

કેમ ? એવું તે શું થયું મારાથી કે તમે આવુ બોલો છો..? કવિતા સહમી ગઇ હતી... કવિતા મને ખબર પડી કે : મારા મરણનું પંચનામું થયું એટલે મેં જે પોલીસીઓ લીધેલી એના પૈસા મણ્યા હતા.. એ બધા વારસદારમાં તારું નામ હોવાથી તને મળ્યા.. માત્ર બે લાખ સિવાય જે મેં આપણા લગ્ન પહેલા લીધેલી.. એ સિવાય વીસ લાખની બે પોલીસીના પૈસા તે લીધા અને એના પર તારો હક છે એમ કહી મારા મમ્મી પપ્પાને આપવાની ના પાડી દીધી.

હા.. કવિતા પણ સામે બોલી ઉઠી... હું તમારી પત્નિ છું એટલે એના પર મારો જ હકતો લાગે ને...?

હં... મેહુલ ઠાવકાઇથી હસ્યો. મને તારી સમજદારી પર અફસોસ થાય છે કવિતા.. તારા મા-બાપે તાઆને ભણાવી ને નોકરીએ ચડાવી તો તારા પગાર ઉપર તારા મા-બાપનો હક છે. મારો નઇ જો કે હું તારો પતિ છું... તો મારા મા-બાપે મને ઉછેર્યો.. ભણાવ્યો ને નોકરીએ ચડાવ્યો તો મારા પગાર ને પૈસા ઉપર એમનો હક નઇ ? કારણ કે તું મારી પત્નિ છે એટલે... કવિતા મારા મમ્મી બિમાર થયા ત્યારે તારી પાસે પૈસા હોવા છતાં પણ તે આપવાની ના પાડી... જો કે એ પૈસા હું તને પાછા આપવાનો હતો તો પણ...

કવિતા આખાએ શરીરે ધ્રુજી ઉઠી... પણ એણે એવું ક્યારેય નહોતું વિચાર્યું.. હા મેં મારા મા-બાપની ચિંતા કરી... કારણ કે તેઓ મારી ચિંતા કરે છે.. એટલે હું સ્વાર્થી છું તમે એમ જ કહો છો ને...?

ના.. તું માત્ર સ્વાર્થી હોત તો હું તને ચલાવી લેતો... પણ તારો જે સ્વભાવ છે તે કેવી રીતે ચલાવી લઉ..? “સ્વાર્થ છુટી શકે છે પણ સ્વભાવ નઇ, જેમ પ્રાણ અને પ્રકૃતિ એક સાથે જ જાય છે” ... બસ, આ પેપર અહિંયા મુકુ છું. સહી કરી ને મોકલાવી દેજે... વધારે કંઇ કહેવાનો અર્થ નથી... આટલુ કહી ને મેહુલ ચાલતો થયો... પાછળ જોયા વગર... ને કવિતા...

સામે જ ટેબલ પર મેહુલની ડાયરી પડી હતી...