મા એ તો મા છે ને...! પછી એ તારી હોય કે મારી...!
સાંજનો સમય થયો હતો. આરામ ખુરશીમાં બેઠા બેઠા અમિત છાપાના પાના ફેરવી રહ્યો હતો. મોબાઇલની રીંગ વાગી એટલે તેને બાજુ પર મુકી ફોન ઉપાડ્યો. “હેલ્લો.... કોણ ? હેલ્લો..... હેલ્લો... એક મિનિટ, હા અવાજ નથી આવતો..... હેલ્લો” બોલતો બોલતો અમિત મોબાઇલ લઇને ઘરની બહાર ગયો..
કિચનમાં અંદર રસોઇ બનાવતી મીનાના કાન આ તરફ મંડાયેલા હતા. પણ કંઇ સંભળાતું ન હતું. 15 મિનિટ થઇ ત્યારે અમિત વાત કરીને અંદર આવ્યો. ત્યારની મીના એ તરફ વારે ઘડીએ જોયા કરતી હતી.
‘કોનો ફોન હતો’ ? અમિતના ઘરમાં આવતાની સાથે જ મીનાએ પ્રશ્ન કર્યો.
‘મમ્મીનો ફોન હતો’ અમિતે જવાબ આપ્યો પણ જાણે મીનાને વિશ્વાસ જ ના હોય એમ તેણે તરત બીજો સવાલ કર્યો ‘મમ્મીનો ફોન હતો તો આટલી બધી વાર કેમ લાગી’ ?
‘એટલે શું કહેવું છે તારે’ ? ‘મમ્મીનો ફોન હોય તો લાંબી વાત ન થાય’ ? અમિત થોડો ચિડાઇ ઉઠ્યો.
‘એ તો મને શું ખબર, મમ્મીનો હતો કે મિસિસનો’ ? મીનાએ સામે આવી ખોટી દલીલ કરી એટલે અમિત ભડકી ઉઠ્યો. “મીના તુ શું બોલે છે એનું તને ભાન છે ?, એક થોડો તો સારો વિચાર કર.. ને વિશ્વાસ ના હોય તો આ લે જોઇલે મોબાઇલમાં” એમ કહી અમિતે મોબાઇલ મીનાની સામે ધર્યો...
રોટલી બનાવતાં બનાવતા જ મીનાએ મોબાઇલની સ્ક્રીન ઉપર મમ્મી એવું નામ વાંચી લીધું. પછી તે ચુપ રહી ગઇ, એક પણ શબ્દ ના બોલી.
‘કેવા વિચારો છે તારા, જાણે બિલકુલ વિશ્વાસ જ નથી. જ્યારે જુઓ ત્યારે નાની નાની વાતે શક કરે છે, કોઇ એક તો સારો વિચાર કર મારા માટે.... હા, પણ ક્યાંથી આવે સારો વિચાર ? તારો તો સ્વભાવ જ એવો છે ને...! તે ક્યાંથી બદલાય.. બોલતો બોલોતો તે પાછો આરામ ખુરશીમાં જઇને બેઠો, છાપાના પાના ફેરવવા લાગ્યો.
બંન્ને ચુપ રહ્યા, મીના મનમાં વિચારતી હતી ‘મેં ખોટો શક કર્યો, ફોન મમ્મીનો જ હતો તો મારે એવું નહોતું કરવું જોઇતુ, મારે પહેલા પુછીને બીજી રીતે ખાત્રી કરવી જોઇતી હતી’. હવે પછી એમ જ કરીશ.. થોડી વાર બન્ને ચુપ રહ્યા, મીનાએ બોલ્યા વગર રસોઇ બનાવી. બોલવાની ઇચ્છા થતી, કેટલાક શબ્દો હોઠ સુધી આવી ને રોકાઇ જતા પણ પોતે અમિત ઉપર ખોટો શક કરીને ભૂલ કરી છે એટલે તે ગુસ્સે થયો છે હવે જો પોતે કંઇ બોલે તો તે પાછો ગુસ્સે થઇ જશે... પણ છતાં કોઇપણ રીતે વાત તો કરવી જ પડશે નહિતો બાજુવાળી આશા સાથે કાલે શોપિંગ કરવા જવાનો પ્લાન બનવ્યો છે એનું શું થાય.? અમિતને કોઇ પણ રીતે મનાવવો તો પડશે, શોપિંગના પૈસા પણ લેવાના છે ને...! અરે, ગરજે તો ગધેડાને પણ બાપ કહેવો પડે.. જ્યારે અહિં તો ભૂલ પણ મારી જ છે ને... ! મીના મનમાં વિચારી રહી.
એટલે.... મોકો જોઇ ને મીનાએ વાત કરવાનો પ્રયત્ન કર્યો.. અમિતની સામે જઇને સોફા પર બેઠી અને “શું કહેતા હતા માજી ? ધીમા અવાજે પુછ્યું
થોડી વાર મીનાની સામે જોઇ રહ્યો ને પછી તે બોલ્યો “કંઇ નહિં, બસ રડતા હતા” અમિતને ખોટુ તો લાગ્યું જ હતું પણ મીનાએ પ્રેમથી પુછ્યું હોય એટલે તેણે જવાબ આપ્યો.
“શું..? રડતા હતા, પણ કેમ... ? શું થયું છે” ?
“કહેતા હતા કે ભાઇ ને ભાભી એમને સારુ નથી રાખતા, ખાવાનું પણ સારુ નથી આપતા, સવાર- સાંજનું જે વધ્યું હોય તે ઠંડુ આપે છે અને બઉ દુ:ખ આપે છે. અમિતે છાપુ વાળીને બાજુ પર મુક્યું
તો શું વાત કરી તમે ?
કંઇ નહિં, હું વિચાર કરતો હતો કે સવારે ત્યાં જઇ આવું ને મમ્મીને અહિંયા લેતો આવું.. હજુ તો આપણે બન્ને અહિંયા છીએ ને મમ્મી દુ:ખી થાય એ સારું ના કહેવાય.
“કોઇ જ જરૂર નથી અહિંયા લાવવાની”.. અત્યાર સુધી પ્રેમથી વાત કરતી મીના પાછી ભડકી ઉઠી. “ભાઇ-ભાભી એમને દુ:ખ આપે એમાં આપણે શું કરીએ” ?, તમને માજીની ચિંતા થાય છે પણ કોઇ દિવસ મારો વિચાર કર્યો છે..? તે અહિંયા આવે તો મારું કામ કેટલું વધી જાય ?, સવારે ઉઠીને બે બાળકોને તૈયાર કરવાના, તમારું ને બાળકોનું ટીફીન બનાવવાનું, આખો દિવસ કપડા ધોવાના, વાસણ ઘસવા ને પોતા કરવાના એ બધુ ઓછું હોય એમ પાછી તમે વધારાની લપ લાવવા માગો છો. જો તમે એમને અહિંયા લાવશો તો હું મારે પિયર જતી રહીશ, સાંભળીલો હું કહી દઉ છું તમને.. મીના એકધારુ બોલતી રહી....
અરે, પણ મારી વાત તો સાંભળ...!
મારે કંઇ જ નથી સાંભળવું, એ ડોશી મારે એક દિવસ પણ અહિંયા ના જોઇએ...
મીના..! આ શું બોલે છે..? થોડો વિચાર કરીને બોલ..! વધારે નહિં તો શબ્દોનું તો ભાન રાખ. અમિત ગુસ્સે થઇ ગયો.. ને ઉભો થઇ ત્યાંથી બહાર નિકળી ગયો...
આખી રાત અમિતને સરખી ઉંગ ના આવી..પડખા ફેરવતો રહ્યો,... વિચારો કરતો રહ્યો.... સવારે ઉઠીને નોકરી જવાના બદલે સીધો મમ્મી પાસે પહોચી ગયો, કપડા ને બીજો સામાન ભરીને સીધો ઘેર લઇ આવ્યો.
ઘેર આવ્યો ત્યારે મીના ઘેર ન હતી, બજારમાં શોપિંગ કરવા ગયેલી હતી. એટલે બેડરૂમમાંથી પોતાનો સામાન જાતે બહાર કાઢીને મમ્મીનો સામાન અંદર મુક્યો.. પોતાનો સામાન અમિત બીજા રૂમમાં લઇ જતો હતો.... એ જ સમયે મીના આવી ચડી..
આ શું છે અમિત ? આ સામન કેમ બહાર પડ્યો છે ? જોતાની સાથે જ મીનાએ નવાઇથી પુછ્યું
મીના મારાથી રહેવાયું નહી એટલે હું જઇને મમ્મીને અહીંયાં લઇ આવ્યો.. અને એમને એકલા ફાવે નહી એટલે તારી સાથે બેડરૂમમાં એમનો સામન રાખ્યો છે. અમિતે ધીમેથી જવાબ આપ્યો.. પણ...
સાંભળીને જ મીનાનો ગુસ્સો જાણે સાતમે આસમાને પહોચી ગયો.. તે જોરથી તાડુકી ઉઠી.. “મેં ના પાડી છતાંય તમે એ ડોશીને અહિંયાં લઇ આવ્યા... અને પાછુ મને પુછ્યા વગર મારા બેડરૂમમાં..... એક મિનિટ માટે પણ એને હું અહિંયા નહી રહેવા દઉ, અત્યારે ને અત્યારે જ અહીંથી કાઢી મુકીશ...
ગુસ્સામાં જ મીનાએ હાથમાં પકડેલી થેલી ત્યાં જમીન પર નાખી દીધી ને સીધી બેડરૂમમાં પહોચી ગઇ... ત્યાં મુકેલો થેલો હાથમાં પકડીને બહાર ફેકવા જતી હતી ત્યાં .... બેડમાં આડા પડેલા માજી બેઠા થયા ને બોલ્યા... “આવી ગઇ બેટા, ક્યાં ગઇ હતી” ? “કેટલી વાર લગાડી બેટા તેં, આ જમાઇ બીચારા એકલા એકલા બધો સામન ભર્યો ને લાવીને ગોઠવ્યો પણ.. થાકી ગયા હશે એકલા એકલા... અને... હા...તું કેમ ના આવી લેવા મને..? ”...
અવાજ સાંભળતાં જ મીનાની આંખો પહોળી થઇ ગઇ... હૃદયમાંની લાગણી ગળામાં આવીને ભરાઇ રહી, એક પણ શબ્દ ના બોલી શકી.. “મમ્મી..! આ..આ... તો.. મારી જ મ્મ્મી છે”. મીનાની આંખો છલકાઇ પડી.. દોડીને તે મમ્મીને વળગી પડી.. “મમ્મી તું... તું અહિંયા ક્યાંથી ? ..મીનાને કંઇ સમજાતું ન હતું ને છતાંય ગણું સમજાઇ ગયું હતું
બધી વાત જાણીને મીના ભોઠી પડી ગઇ.. અમિતની સામે નજર મિલાવવાની તેનામાં હિમ્મત ન હતી...
અમિતની સામે નીચુ જોઇને ઉભી રહી... શર્મ ને સંકોચ સાથે સાથે પોતાની ભૂલનો પસ્તાવો કે તેનામાં અમિતની સાથે નજર મિલાવવાની હિંમત ન હતી... નીચું જોઇ રહેલી મીનાના ચહેરાને દાઢીથી પકડીને ધીમેથી અમિતે ઉંચો કર્યો... “મીના.. આ મારી મમ્મી નહીં પણ તારી મમ્મી છે અને જે ભાઇ ભાભી મમ્મીને દુ:ખ આપતા હતા એ તારા ભાઇ ભાભી હતા.. મારા નઇ.”.
“અને હા મીના... એક બીજી અને મહત્વની વાત કે... જો તું તારા મમ્મીને આટલો પ્રેમ કરતી હોય તો મારી મમ્મીને કેમ નહીં..? “આખરે મા એ તો મા છે ને...! પછી એ તારી હોય કે મારી...!”
અને મીના અમિતને વળગી પડી..બે હાથે..... તેની બાહોમાં સમાઇ રહી... આજે જીવનને સફળ બનાવવાનો એક પાઠ તે શિખી રહી હતી...
અને મીના અમિતને વળગી પડી..બે હાથે..... તેની બાહોમાં સમાઇ રહી... આજે જીવનને સફળ બનાવવાનો એક પાઠ તે શિખી રહી હતી...
@... રાકેશ રાઠોડ
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ