ઘણા સમય પહેલાની આ વાત છે. જ્યારે શાળા,કોલેજ કે યુનિવર્સિટીઓ ન હતી અને શિક્ષણ ગુરૂકુળોમાં આપવામાં આવતું. તક્ષશિલા વિધ્યાપીઠ, નાલંદા વિધ્યાપીઠ, જેવી વિધ્યાપીઠો શિક્ષણ આપવાનું કાર્ય કરતી હતી.

ઉત્તર ભારતમાં પણ એવી જ એક શિક્ષણ સંસ્થા હતી. દેશ-વિદેશથી વિધ્યાર્થીઓ અહિં શિક્ષણ લેવા આવતા.આ સંસ્થાની નામના એટલી બધી વધેલી કે દુનિયાભરના દેશોમાં એની વાતો થતી. વર્ષના બારે મહિના આ સંસ્થા વિધ્યાર્થીઓથી ભરાયેલી રહેતી અથવા એમ કહો કે ઉભરાતી હતી.

આવી સ્થિતિમાં અચાનક જાણે પરિસ્થિતિ બદલાઇ. ધીમે ધીમે સંસ્થામાં આવનાર વિધ્યાર્થીઓની સંખ્યા ઘટવા લાગી. એક સમયે જ્યાં વિધ્યાર્થીઓને જગ્યા મળતી ન હતી ત્યાં ધીમે ધીમે જગ્યાઓ ખાલી પડવા લાગી. કંઇ સમજાતું ન હતું કે કેમ આવું થયું. સંસ્થાપકોને ચિતા થવા લાગી. તેમણે ગણા વિચારો કર્યા, ચિંતનો કર્યા ને સંશોધનો પણ કર્યા. છતાંય કોઇ કારણ મળતું ન હતું.. જો આમને આમ ચાલ્યું તો કદાચ સંસ્થા બંધ કરવાનો વારો આવશે. તો શું કરવું ? કોઇ રસ્તો ન હતો. એવામાં કોઇએ સંસ્થાપકોને વાત કરી કે અમુક ઠેકાણે એક મોટા સંત રહે છે. એ ખુબ જ્ઞાની છે. તમે એક વાર એમને મળી જુઓ કદાચ એ તમને કોઇ ઉપાય ચોક્કસ બતાવશે.

સંસ્થાપકો એ સંતને શોધતા શોધતા ત્યાં ગયા. એમને મળી ને બધી વિગતે વાત કરી. વાત સાંભળીને સંતે કહ્યું કે એ તો હું ત્યાં આવું, બધી પરિસ્થિતિ જોઉ પછી જ કંઇ કહી શકુ. એટલે સંસ્થાપકો એ સંતને સંસ્થામાં તેડી લાવ્યા. રહેવા માટે ઉત્તમ સગવડ આપી અને જરૂરી બધી વ્યવસ્થા કરી આપી. લગભગ એક અઠવાડીયું એ સંત ત્યાં રોકાયા અને તેમને કારણ મળી ગયું. પછી તેમણે સંસ્થામાં રહેતા તમામ વ્યક્તિઓને બોલાવી ને ભેગા કર્યા. એક બેઠક કરી ને સૌની વચ્ચે જાહેર કર્યું કે “અહિં તમારા બધાની વચ્ચે જ એક માણસ ભગવાનની બરાબર છે. એનું હૃદય દુભાયું છે. કોઇના બોલવાથી, કોઇના વર્તનથી કે કોઇના વ્યવહારથી. અને એ જ આ સંસ્થામાં આવી પરિસ્થિતિ ઉભી થવાનું કારણ છે.”

સૌ કોઇ આ સાંભળીને દંગ થઇ ગયા.. કોણ હશે એ વ્યક્તિ..? જ્યારે સંતને પુછ્યું કે કોણ છે એ વ્યક્તિ ? તો સંતે કહ્યું કે ‘એ વ્યક્તિ કોણ છે ? એ તો હું ના કહી શકુ. કદાચ આ શિક્ષકોમાંથી કોઇ હોય, કદાચ આ બધા વિધ્યાર્થીઓમાંથી જ કોઇ હોય કે આ નોકરોમાંથી પણ કોઇ હોઇ શકે છે. બધા એકબીજાની સામે જોવા લાગ્યા.. કોણ હશે એ ..? સૌના મનમાં પ્રશ્ન થતો હતો..

છેલ્લે સંતે એટલુ જ કહ્યું કે ‘જ્યારે તમે એ ભગવાન સમાન વ્યક્તિને સાચવશો, એને માન આપશો અને એના હૃદયને દુભાવશો નહી.. ત્યારે આ સંસ્થા ફરીથી પહેલા હતી એવીજ અને એના કરતાં પણ વધારે સારી માન-પ્રતિષ્ઠા ને નામના મેળવશે. હું એક વર્ષ પછી ફરીથી અહીંયા આવીશ અને ત્યારે તમને કહીશ કે એ વ્યક્તિ કોણ છે ?’ આટલુ કહીને સંત ત્યાંથી વિદાય થયા.

એના પછી ખરેખર પરિવર્તન આવવા લાગ્યું. દરેક જણ એકબીજાનામાં ભગવાનને જોવા લાગ્યા.. કદાચ આ હશે... કે તે હશે. એવા વિચારે બધા જ સૌની સાથે પ્રેમથી ને આદર-માન સાથે વર્તવા લાગ્યા. કોઇનું મનદુ:ખ થાય એવું વર્તન હવે કોઇ નહોતું કરતું. ધીમે ધીમે એકવાર ફરીથી આ સંસ્થાની નામના દેશ-પરદેશમાં વધવા લાગી. અને એક વર્ષના અંતે તો એકવાર ફરીથી અહીંયા શિક્ષણ મેળવવા વિધ્યાર્થીઓની લાઇનો લાગવા લાગી.. પહેલા હતી એના કરતાં પણ વધારે પ્રતિષ્ઠા માત્ર એક જ વર્ષમાં મેળવી લીધી.. હવે એક વર્ષ પુરુ થયું ત્યાં સૌના મનમાં એક જ તાલાવેલી હતી.. પેલા સંતની પાસેથી એ જાણવાની કે એ ભગવાન સમાન વ્યક્તિ કોણ છે ?

સમય પુરો થયો એટલે સંત પણ ત્યાં આવી પહોચ્યા. સંસ્થાપકો, શિક્ષકો, વિધ્યાર્થીઓ અને બીજા કામ કરતા બધાને ભેગા કરી બેઠક કરી.. જાણવા મળ્યું કે સંસ્થા પહેલા કરતાં પણ વધારે સારી રીતે ચાલે છે અને પહેલા કરતાં પણ વધારે વિધ્યાર્થીઓ આ વર્ષે આવ્યા છે.. સંતતો આ સાંભળી ને ખુબ જ ખુશ થયા. પછી બધાએ એક જ વાત કરી કે હવે એ ભગવાન સમાન વ્યક્તિ કોણ છે ? એ કહો..

સંતે સામે બેઠેલા સૌની ઉપર એક નજર ફેરવી... અને કહ્યું કે “તમે બધાર જ..!”

બધા એકબીજાની સામે જોવા લાગ્યા. સંત શું કહે છેએ કંઇ સમજાતું નથી.. ‘તમે બધા જ’એટલે ?

હા, તમે બધા જ એ ભગવાન સમાન વ્યક્તિ છો.. સંત એકવાર ફરીથી સૌના આશ્વર્ય વચ્ચે એ જ શબ્દો બોલ્યા.. ‘તમે બધા જ ભગવાન સમાન વ્યક્તિ છો કારણ કે તમાર બધાએની અંદર એક જીવતો-જાગતો ભગવાન બેઠો છે.

હું એક વર્ષ પહેલા જ્યારે અહીંયાં આવ્યો ત્યારે મે જોયું હતું કે અહીંયાં સામે બેઠેલા શિક્ષકો કે જેઓ શિક્ષણ આપે છે તેમની અંદર અહંકાર ભરાઇ ગયો હતો.. એમને લાગતું હતું કે અમે આવી મોટી સંસ્થાના શિક્ષક છીએ અને દેશ-વિદેશના વિધ્યાર્થીઓને શિક્ષણ આપીએ છીએ. સંસ્થાપકોને પણ એવું અભિમાન હતું કે અમે આવી મહાન સંસ્થાના માલીક છીએ.. એટલે એ બધા બીજાને પોતાનાથી સામાન્ય નજરથી જોતા હતા. અહીં આવનાર દરેક વિધ્યાર્થીને એ તુચ્છકારતા હતા. એ જ કારણ હતું કે વિધ્યાર્થીઓ અહીં આવતા ઓછા થઇ ગયા હતા. તો બીજી બાજુ વિધ્યાર્થીઓમાં પણ અદેખાઇ, ઇર્ષા ને એકબીજાને પાછળ છોડી દેવાની વૃત્તિ હતી. આ બધા દૂષણો એ જ આ સંસ્થાની પ્રતિષ્ઠાને તોડનારા કારણો હતા. એ હું જ્યારે અહીંયા રહ્યો ત્યારે જ મને સમજાઇ ગયું હતું.. એટલે જ તમારા બધાયેની અંદરના એ ભગવાનને તમારે જોવાની જરુર હતી. જે આજે પુરી થઇ ગઇ છે. હવે જ્યાં સુધી તમારા બધાએની અંદર જ્યાં સુધી એ ભગવાન જેવો માણસ બેઠો છે ત્યાં સુધી તમારી નામના કે પ્રતિષ્ઠાને કંઇ થઇ શકવાનું નથી.છેલ્લે તો હું બસ એટલું જ કહીશ કે એક બીજાથી વિવાદનહીં પણકદર કરો.. એજ તમને મોટા બનાવશે..

સામે બેઠેલા સૌને સંતની વાત સમજાઇ ગઇ હતી અને એ સત્ય પણ સમજાઇ ગયું હતું કે આપણા બધાએની અંદર એક ભગવાન બેઠો છે.. એને જો માન નહી આપીએ તો આપણી પ્રતિષ્ઠા પણ જળવાશે નહી.. એ ચોક્કસ છે..


તો હવે એવું નથી લાગતું કે આપણે પણ આપણી અંદર તેમજ બીજા માણસોની અંદર રહેલા એ ભગવાનને માન આપવું જોઇએ જેથી આપણી પ્રતિષ્ઠા પણ જળવાઇ રહે... વધતી રહે.