શીવનગર નામે સોસાયટી... લગભગ ૮૦ જેટલા ઘર હશે.. ને મોટા ભાગના ભાડુઆત.. અલગ અલગ ગામડાઓ અને દૂરદૂરથી લોકો અહિં ધંધાર્થે કે નોકરી કરવા આવીને રહેલા એટલે લોકોમાં એકબીજા વચ્ચે લાગણીઓ કે કુટુમ્બ જેવા સબંધો ઓછા.. પણ પૈસે ટકે થોડા સક્ષમ.. એટલે ઘણા જોડે મારુતી કાર જેવી ગાડીઓ તો ખરી જ..સોસાયટીમાં કોઇ અલગ પાર્કિંગની વ્યવસ્થા નહિ ને ઘર પણ માપના ને નાના એટલે ગાડીઓ પાર્ક કરવાની વ્યવસ્થા નહિં .. આ બધાયેની ગાડીઓ રસ્તાની એક બાજુએ દબાવીને બધી લાઇનમાં પાર્ક કરેલી હોય..


છોકરાઓ માટે પણ સ્વાભાવિક છે કે કોઇ અલગ રમતનું મેદાન ન જ હોય... એટલે સોસાયટીના બાળકો બધા રસ્તાની વચ્ચે અને જ્યા જગા મળે ત્યાં રમવા લાગે... કોઇ રમતા રોકે અને ધમકાવે તો ત્યાંથી બીજી જગાએ.. પણ થોડી જગામાં પણ આ બાળકો પોતાનું મોકળુ મેદાન બનાવી ને રમી લે..


એમાં એકવાર બન્યું એવુ.. કે બાળકો રમતા હતા તેમાં એક બાળક છુટ્ટા પથ્થર ફેકતો હતો... ઘરની ઓસરીમાં બેઠેલા નરેશભાઇની નજર તેના પર પડી.. બુમ પાડીને તેમણે એ છોકરાને બોલાવ્યો.. તેની સાથે બીજા છોકરાઓ પણ કુતુહલવશ ત્યાં દોડ્યા આવ્યા... શું થયું..? એ.. શું થયું..લ્યા..? છોકરાઓ અંદરો અંદર ગુસપુસ કરતા હતા.. શું ખબર લ્યા... ? કંઇ ખબર નથી...


આ તમે બધા અહિં રમો છો તો ભલે રમતા.. પણ આ છોકરો છુટ્ટા પથ્થર ફેકે છે ને જો એ પથ્થર કોઇને વાગી જાય તો.. ? અને આ ગાડીઓ અહિંયા મુકેલી છે તેમાંથી કોઇની ગાડીનો કાચ ફુટી જાય તો..? કોની જવાબદારી.. ? અને એનો ખર્ચો કોણ આપશે...? એટલે હવે રમવું હોય તો શાંતિથી ને ધમાલ કર્યા વગર રમો..જાઓ..

બાળકો ત્યાંથી ચાલ્યા ગયા... બીજા મેદાનમાં. પણ ધમાલ ન કરે અને મસ્તિ ના કરે તો પછી એ બાળકો કેવા... !

બીજો દિવસ થયો.. નરેશભાઇ છાપુ વાંચતા બહાર ખુરશી નાખીને બેઠા હતા... ને આજે પણ પેલા બાળકો ત્યાં જ રમતા હતા. ને પેલો બાળક આજે પણ પથ્થર ફેકતો હતો... બુમ પાડીને પાછા તેમણે છોકરાઓને બોલાવ્યા... ‘અલ્યા કાલે તો તમને કિધુ હતું ને આજે ફરી પાછા પથ્થર નાખો છે...? કોનો છોકરો છે આ...? જાઓ એના મમ્મી પપ્પાને બોલાવી લાવો..’

‘આ એતો પેલા કાકાનો ભાણો છે... હું બોલાવી લાવું..’ કહેતો એક છોકરો દોડતો ગયો.. ને બોલાવી લાવ્યો..

‘માવજીભાઇ આ તમારો ભાણો છે ને..? એ રમતાં રમતાં અહિં છુટ્ટા પથ્થર ફેકે છે.. ને જો કોઇને વાગી જાય અથવા કોઇની ગાડીનો કાચ ફુટી જાય તો..? એ ખર્ચો તમારે આપવો પડશે.. એટલે બને તો એને સમજાવો...’ નરેશભાઇએ શક્ય તેટલી સલાહ અને ચેતવતી સુચનાઓ આપી...


હવે વિધીની વક્રતા કહો કે નસીબ... પણ બન્યું એવું કે બે દિવસ પછી એ જ છોકરાના હાથે નરેશભાઇની ગાડીનો કાચ ફુટી ગયો.. હવે શું થાય...? માવજીભાઇ ને બોલાવ્યા.. ‘ માવજીભાઇ મેં તમને પહેલા જ કહ્યું હતું ને કે આ તમારો ભાણો એ કોઇને વગાડશે કાં તો કોઇની ગાડીનો કાચ તોડશે... અને આજે એ જ થયું.. હવે તમે જ કહો હું શું કરું.. ?’ નરેશભાઇએ જે હતી તે હકિકત કહી બતાવી..

‘કંઇ વાંધો નઇ સાહેબ.. તમારી વાત સાચી છે.. પણ હવે એને શું કરીએ...? અમે પણ એને ઘણો રોકીએ છીએ.. સમજાવીએ છીએ.. પણ માનતો જ નથી ને... તમે ચિંતા ના કરો સાહેબ.. તમારે ગાડીનો કાચ નખાવી દેજો.. જે ખર્ચો થાય એ હું આપી દઇશ..’ માવજીભાઇએ પણ સામે માણસાઇ ને ઇમાનદારીથી ભુલ સ્વિકારી લીધી...

ગાડીના કાચનો ખર્ચો પાંચ હજારને પાંચસો થયો... ને માવજીભાઇએ પાંચ હજાર આપ્યા.. પણ કંઇ વાંધો નઇ.. ચાલશે.. નરેશભાઇએ એના માટે કંઇ ખાસ વિચાર્યું નહિ..


થોડા એક લગભગ સાતેક દિવસો થયા હશે ને... નરેશભાઇ ગાડી લઇને ક્યાંક બહાર જઇને આવતા હતા સાંજનો સમય થયો હતો... ને આગળ કપચી ભરેલો એક ટ્રક જતો હતો... થોડુ થોડુ અંધારું થવા આવ્યું હતું... ધીમે રહી ને બાજુમાંથી સાઇડ કાપવા ગયા.. ત્યાં જ ટ્રકના ટાયર નીચેથી એક કાંકરો છટક્યો... સીધો કાચ ઉપર.. ને કાચ તુટી ગયો... હવે શું થાય...? ના ટ્રકવાળાનો કોઇ વાંક હતો કે તેને કંઇ કહી શકાય..


ઘેર પહોચ્યા ત્યારે મોડુ થઇ ગયું હતું. ઘરમાં બધા ઉંગી ગયા હતા એટલે ગાડી મુકી ને પાણી પીધુ.. પથારી પાથરેલી જ હતી તો એમને એમ ઉંગી ગયા...

સવારે ઉઠવામાં થોડુ મોડુ થયું.. બ્રશ કર્યું ને ચા પીવા બેઠા... ત્યારે તેમના પત્નિ સીમાબેન કહેવા લાગ્યા.. ‘ સાહેબ..! આજે રાતે તો બઉ જ વિચિત્ર સપનું આવ્યુ હતું.. કંઇ ખબર ના પડી.. પણ સપનામાં જાણે કે હું ઘરમાં બેઠી હતી ને દરવાજો બંધ હતો.. ત્યાં જ એક છોકરો દોડતો દોડતો ઘરમાં આવી ગયો.. લાંબા લાંબા છુટ્ટા વાળ ને સુંદર ચહેરો... મેં એને રોક્યો અને પુછ્યું કે કોણ છે તું..? હું અહિંયા ઘરમાં બેઠી છું ને તું સીધો ઘરમાં ચાલ્યો આવે છે.. કેમ આવ્યો છે..?


ત્યારે એણે કહ્યું કે ‘હું મારા પૈસા લેવા આવ્યો છું.. મારા પાંચ હજાર’.. ને કોણ જાણે મને પણ શું થયું કે મે એને ડબ્બામાંથી પાંચ હજાર કાઢી ને ગણી આપ્યા... ‘ આ લે તારા પાંચ હજાર અને હવે પાછો ના આવતો’ એ લઇ ને તે દોડતો દોડતો આવ્યો હતો એમ ચાલ્યો ગયો... બિલકુલ બાબા જેવો જ... જાણે તેમણે નાના છોકરાનું રૂપ લીધું હોય..! મને તો કંઇ જ સમજાયું નઇ..


પણ નરેશભાઇ ને બધુ જ સમજાઇ ગયું હતું...વાત સાંભળીને તે મનમાં હસી પડ્યા. આ એ જ પૈસા હતા જે ગાડીનો કાચ પેલા છોકરાએ તોડ્યો તેના માવજીભાઇ પાસેથી લીધા હતા... અને ગઇ કાલે રાત્રે કાચ તોડીને બાબા એ પૈસા પાછા લઇ ગયા...


હજુ સીમાબેનને ક્યાં ખબર હતી કે ગાડીનો કાચ તુટી ગયો છે...???